• રેલવે સ્ટેશન નજીકના ખખડધજ માર્ગોનું થશે નવનિર્માણ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા
ખંભાળિયા શહેરના આંતરિક રસ્તાઓ મહદ અંશે વ્યવસ્થિત બની ગયા છે. ત્યારે પરંતુ શહેરમાં પ્રવેશવાના વેલકમ ગેઈટથી રેલવે સ્ટેશન અને ત્યાંથી નગર ગેઈટ સુધીનો રસ્તો ખૂબ જ જર્જરિત બની ગયો હોવાથી આ રસ્તો નગરપાલિકા માટે કાળી ટીલી સમાન બની રહ્યો હતો. આ રસ્તાના કામો ટલ્લે ચડતા હતા. પરંતુ તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આશરે રૂપિયા દોઢેક કરોડથી વધુની કિંમતના જુદા-જુદા બાહ્ય રસ્તાઓનું નિર્માણ કાર્ય હાથ ધરવા માટેના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે.

ખંભાળિયામાં જામનગર તરફથી પ્રવેશતા વેલકમ ગેઈટ પાસેથી રેલવે સ્ટેશન સુધીના તેમજ રેલવે સ્ટેશનથી નગર ગેટ સુધીના રસ્તામાં વ્યાપક પ્રમાણમાં ખાડા-ખડબા હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ચુક્યા હતા અને આ અંગેનું ટેન્ડર તાજેતરમાં બહાર પાડવામાં આવતા આ કામ માટે 21.25 ટકા અપ ટેન્ડર સરકાર સમક્ષ રજૂ થયું હતું. છઠ્ઠા પ્રયત્નના આ કામમાં પ્રાદેશિક કમિશનર ધિમંતકુમાર વ્યાસના વડપણ હેઠળ ટેકનીકલ કમિટી દ્વારા વેલકમ ગેઈટથી રેલવે સ્ટેશન સુધીના ડામર રોડના આ કામને મંજૂરી સાંપળી છે. આ માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઇજનેર એન.આર. નંદાણીયાની જહેમતથી આ રસ્તાનું ટેન્ડર આખરે મંજૂર થયું છે.

આ રસ્તાનો લાંબા સમયથી પડતર પ્રશ્ન હલ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ યોગેશભાઈ મોટાણી, વિગેરે દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.

રેલવે સ્ટેશનથી નગર ગેઈટ સુધીનો રસ્તો કે જે હાલ ડામર રોડ છે, ત્યાં ખોદીને નવેસરથી સી.સી. રોડ બનાવવા માટે રૂપિયા 1.40 કરોડની ફાળવણી પણ કરાઈ હોવાનું અને તે અંગેનો ઠરાવ સામાન્ય સભામાં મંજુર થઈ જતા આ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં આ રસ્તાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે.

નગરપાલિકા હસ્તકના આ મહત્વના બે રસ્તાઓના નવનિર્માણની કામગીરી થતાં નવા વર્ષે નગરપાલિકા દ્વારા શહેરના નગરજનોને નવા રસ્તાની ભેટ મળશે અને ખાસ કરીને વાહન ચાલકોને થતી રાહત બની રહેશે. શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાઓ માટે રૂપિયા 1.55 કરોડના ખર્ચે રીસરફેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે.