જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં દિવાળી- નુતન વર્ષ સહિતના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે દાઝી જવાથી અથવા તો અન્ય કોઈપણ રીતે ઇજાગ્રસ્ત બનવાના ૨૬ કિસ્સા નોંધાયા છે. જે પૈકી ૨૧ વ્યક્તિને સ્થળ પર સારવાર અપાઇ છે, જ્યારે પાંચ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

દિવાળી-નવા વર્ષ સહિતના તહેવારો દરમિયાન ભરપૂર આતસબાજી કરી હતી, અને નગરજનોએ ફટાકડા ફોડીને દિવાળીનું પર્વ મનાવ્યું હતું, જેમાં જાહેર માર્ગો પર ફટાકડા ફોડવાના કારણે અથવા અન્ય રીતે  ઇજા થવાના કારણે ૨૬ વ્યક્તિઓને અસર થઈ હતી. 

જામનગરની ૧૦૮ની ટિમને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફટાકડાના કારણે દાજી જવાના અથવા તો ઇજાગ્રસ્ત બન્યાના ૨૬ જેટલા કોલ મળ્યા હતા. જ્યાં ૧૦૮ની ટુકડીએ તમામ સ્થળે પહોંચી જઈ  લોકોને પ્રાથમિક સારવાર આપી હતી. જે પૈકી એક મહિલા અને એક બાળક સહિત પાંચ વ્યક્તિને વધારે ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તમામ તહેવારો દરમીયાન કોઈ વધુ જાનહાની ના સમાચાર મળ્યા નથી.

જામનગર શહેરમાં જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો જાહેરમાં ફટાકડા ફોડીને અન્ય લોકોને ખલેલ પહોંચાડવામાં આવતી હોવાના ટેલીફોનિક સંદેશ જામનગરના પોલીસ કંટ્રોલ રૂમને મળ્યા હતા. માત્ર દિવાળીની રાત્રી દરમિયાન ૧૧ સ્થળેથી ફોન કોલ આવ્યા હતા, અને પોલીસ ટીમ તમામ સ્થળે પહોંચી ગઈ હતી, અને જાહેર માર્ગ પર ફટાકડા ફોડતા લોકોને અટકાવીને તેઓને વિખેરી નાખ્યા હતા. જોકે કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ સૂચના આપીને જવા દેવાયા હતા.