• લોહાણા મહાજનના નેજા હેઠળ ખાસ બેઠક યોજાઈ .

       પૂ. જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે આગામી રવિવાર તારીખ 19 મીના રોજ ખંભાળિયામાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ માટેની ખાસ બેઠક ગતરાત્રે અહીંની વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ યોજવામાં આવી હતી.
      આ બેઠકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું પણ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે સાંજે 4:30 વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતેથી જલારામ બાપાની શોભાયાત્રા શરૂ થશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને રાત્રે નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે.
     આ સાથે જલારામ જયંતિની પરંપરા મુજબ બપોરે સારસ્વત જ્ઞાતિના સમૂહ ભોજન (સારસ્વત મહાસ્થાન) બાદ સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી બહેનો માટે તેમજ રાત્રે 8:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી ભાઈઓ માટે સમુહ પ્રસાદનું પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
      ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી પ્રતાપભાઈ દતાણી, અરુણભાઈ મજીઠીયા, પરાગભાઈ બરછા સાથે જ્ઞાતિના પીઢ આગેવાનો તેમજ વિવિધ રઘુવંશી સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી વિવિધ મહત્વની ચર્ચાઓ વચ્ચે શહેરના રઘુવંશી વેપારીઓ જલારામ જયંતીના દિને પોતાની દુકાનોમાં જલારામ જયંતીના બેનરો લગાવે તે માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.