- વિવિધ સમિતિઓની રચના કરાઈ -
- દર મહિને યોજાશે જિલ્લા પંચાયતની સંકલન મીટીંગ -
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા વરાયેલા હોદ્દેદારો સાથેની સામાન્ય સભા ગતસાંજે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં 22 પૈકી 20 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ જનરલ બોર્ડમાં પ્રથમ વખત બેઠકના પ્રારંભે સભ્યોના પ્રશ્નોત્તરીકાળ યોજવામાં આવ્યો હતો. જેમાં સદસ્યો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નો અંગેની ચર્ચા માટે ખાસ સમય ફાળવવામાં આવ્યો હતો.
આ પછી જિલ્લા પંચાયતની કારોબારી, બાંધકામ, શિક્ષણ, અપીલ, આરોગ્ય, સિંચાઈ, બાલ વિકાસ અને સામાજિક ન્યાય સમિતિ જેવી જુદી-જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી. મહત્વની બાબત તો એ છે કે પ્રથમ વખત આ તમામ સમિતિઓમાં કોંગ્રેસના 10 સભ્યોને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. જેથી જિલ્લા પંચાયતને લગતી કોઈપણ કામગીરી સર્વાનુમતે અને સર્વ સંમતિથી થઈ શકે. આ કમિટીઓના ચેરમેનની વરણી આગામી સમયમાં થશે.
જિલ્લા પંચાયત કચેરીમાં આવેલી કેન્ટિન વગર ભાડે સખી મંડળ સંસ્થાને આપવામાં આવી હતી. જેથી સખી મંડળના બહેનો સ્વનિર્ભર બની શકે. આ ઉપરાંત વિવિધ સમિતિના વિભાગો પાસેથી વસૂલ કરવાનું પણ આ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.
જિલ્લાના જુદા જુદા ગામોમાં આશરે દોઢ ડઝન જેટલા સિંચાઈ સમિતિને લગતા કામોમાં રૂપિયા 22 કરોડની વહીવટી મંજૂરી પણ આ બેઠકમાં અપાઈ હતી.
આ સામાન્ય સભામાં ખાસ આમંત્રિત તરીકે એજન્ડામાં જિલ્લા બેંકના ચેરમેન પી.એસ. જાડેજા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત જે રીતે જિલ્લામાં સરકાર દ્વારા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવે છે, તે જ રીતે દર મહિને જિલ્લા પંચાયતમાં પણ તાલુકા વિકાસ અધિકારી, સહિતના અધિકારીઓને સંકલન બેઠક જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે.
આમ, અનેકવિધ મહત્વના અને અનુકરણીય ઠરાવો સાથે આ બેઠક શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
0 Comments
Post a Comment