પુત્રના બાઈકની પાછળની સીટમાં બેઠેલા માતાનું ઊથલી પડતાં ગંભીર ઇજા થયા પછી અપ મૃત્યુ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર મોટી માટલી ગામના પાટીયા પાસે આરીખાણા ગામના માતા-પુત્રને ગોઝારો અકસ્માત નડ્યો હતો. પુત્રના બાઈકની પાછળ બેઠેલા માતાનું એકાએક નીચે ઊથલી પડતાં ગંભીર ઈજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. જેથી પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતો બીપીનભાઈ મેઘજીભાઈ એરંડિયા નામનો ૨૫ વર્ષનો યુવાન ગત ૧૯.૧૧.૨૦૨૩ના સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના સંબંધીના જીજે ૧૦ સીબી ૩૩૧૭ નંબરના બાઈકમાં પાછળની સીટમાં પોતાના માતા લક્ષ્મીબેન મેઘજીભાઈ એરંડિયા (ઉંમર વર્ષ ૪૫)ને બેસાડીને પોતાના ઘેરથી કાલાવડ તરફ જઈ રહયા હતા, જે દરમિયાન મોટી માટલી ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

મોટરસાયકલમાં એકાએક રોદો આવતાં પાછળની સીટમાં બેઠેલા માતા લક્ષ્મીબેન ઉથલી પડ્યા હતા, અને તેઓને જમણા હાથના ખંભાની પાંસળીના ભાગે તથા માથાના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. જેથી તેઓને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં ગુરુવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે. આ અકસ્માતના બનાવ અંગે પુત્ર બીપીનભાઈ એરંડિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. જાદવે જીજી હોસ્પિટલમાં દોડી જઈ, મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.