આગામી તા. 2 અને 3ના રોજ મળશે બેઠક: રઘુવંશી સમાજના વૈશ્વિક સંગઠનને વધુ મજબુત કરવા માટે થશે ચર્ચા: આગામી કાર્યક્રમો પ્રવૃતિઓના વિસ્તાર માટે કરાશે મંથન 

જામનગર મોર્નિંગ - જામનગર 

રઘુંવશી સમાજની વૈશ્વિક સંસ્થા લોહાણા મહાપરિષદની કારોબારીની સાતમી બેઠક આગામી તા. 2 અને 3 ડિસેમ્બરના દિવસોમાં જામનગરના આંગણે સમસ્ત લોહાણા સમાજના યજમાન પદે મળનારી છે. 

લોહાણા મહાપરિષદની કારોબારીની બેઠક જામનગરના આંગણે મળે તે માટે સમસ્ત હાલાર લોહાણા સમાજના સંયોજક શ્રી જીતુભાઇ લાલ અને સ્વાગત સમિતિના કન્વીનર શ્રી દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ)ની લાગણીને સ્વીકાર કરી લોહાણા મહાપરિષદના અધ્યક્ષ શ્રી સતિષભાઈ વિઠલાણી એ જામનગરમાં બેઠક યોજવા સમંતી આપતા સમગ્ર હાલારના લોહાણા સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. 

જામનગરના આંગણે લોહાણા મહાપરિષદની સપ્તમ કારોબારી બેઠક બે ભાગમાં રહેશે. તા. 2 ડિસેમ્બરના શનિવારે બપોરથી રાત્રી સુધીના કાર્યક્રમો પંચેશ્વર ટાવર પાસે આવેલી લોહાણા મહાજનવાડીમાં અને તા. 3 ડિસેમ્બરના રવિવારે સવારથી બપોર સુધીની બેઠક જામનગર ખંભાળિયા રાજ્યધોરી માર્ગ પર એરપોર્ટની રોડની સામે 'રજવાડું ધ વિલેજ' હોટલમાં મળશે. આ બેઠકમાં વિદેશોમાં સંસ્થાના સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ આગામી સમયમાં કરવાના કાર્યક્રમો અને પ્રવૃતિઓ અંગે ચર્ચા - વિચારણા કરી નિર્ણયો કરવામાં આવશે. 

જામનગરમાં રઘુવંશી સમાજના વૈશ્વિક - સર્વોચ્ચ સંગઠન શ્રી લોહાણા મહાપરિષદની આ બે દિવસીય બેઠક માટે હાલાર લોહાણા સમાજના સંયોજક જીતુભાઇ લાલ અને સ્વાગત સમિતિના કન્વીનર દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ની આગેવાની હેઠળ તૈયારીઓ ચાલી રહી છે.