જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવતીકાલે ૨૪મી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે, ત્યારે તેઓના આગમનને પગલે લાલબંગલા સ્થિત સરકારી સંકુલોને ઝળહળતી રોશની થી સજાવી દેવામાં આવ્યા છે.
જામનગરનું સર્કિટ હાઉસ, ઉપરાંત અદાલત પરિસર, જામનગર મહાનગરપાલિકાની કચેરી, પીજીવીસીએલની કચેરી, તથા જિલ્લા પંચાયત કચેરી અને સર્કલ, હોમગાર્ડ કચેરી સહિતના સંકુલોમાં ઝળહળતી રોશની ગોઠવી દેવાઇ છે, અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
સાથોસાથ જામનગરના દિગ્જામ સર્કલથી લાલ બંગલા સર્કલ સુધીના માર્ગ પર રોડની વચ્ચે રંગબેરંગી સીરિઝ ગોઠવી દેવાઇ છે, તેમજ રોડની બંને તરફના ઝાડમાં ગ્રીન કલરની હેલોજન લાઇટ ગોઠવી દેવાઇ છે. જેથી અનન્ય નઝારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સમગ્ર વિસ્તાર રોશનીથી સજ્જ બન્યો હોવાથી અનેક શહેરીજનોએ આ રોશનીનો નજારો નિહાળ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં સેલ્ફી પણ લીધી હતી.