નવસારીના બિલ્ડરે મોકલાવેલું હથિયાર જામનગરમાં કોણ રીસીવ કરવાનું હતું? પડદો ઉચકાશે?

જામનગરઃ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એલસીબી પોલીસે મૂળ કાલાવડના પટેલ શખ્સને આંતરી લઇ તેના કબ્જા માંથી વિદેશી પિસ્તોલ કબજે કરી છે. સુરતથી જામનગર આવેલ શખ્સને નવસારીના શખ્સે હથિયાર સાથે જામનગરના કોઈ શખ્સને હથિયાર સપ્લાઈ કરવા મોકલ્યો હોવાની વિગતો સામે આવી છે. જામનગરમાં આ હથિયારથી વધુ એક વારદાતને અંજામ આપવામાં આવે તે પૂર્વે પોલીસે હથિયાર સાથે મૂળ કાલાવડના શખ્સને દબોચી લીધો છે. જો કે જામનગરમાં કોને હથિયાર સપ્લાય કરવાનું હતું તેનો તાગ નવસારીનો બિલ્ડર પકડાયા બાદ સામે આવશે.
કાલાવડ તાલુકાનો મુળ વતની અને હાલ સુરત તાલુકાના કામરેજના કઠોદરા ગામે રહેતો જસ્મીન ગોપાલભાઈ સાવલિયા નામનો શખ્સ પરવાના વગરની પિસ્તોલ સાથે જામનગર આવતો હોવાની જામનગર એલસીબીને હકીકત મળી હતી, જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ગુલાબનગર વિસ્તારમાં વોચ ગોઠવી રાજકોટ તરફથી આવતી એક ઇકો વાહનમાંથી ઉતરેલ જસ્મીનને અંતરી લઇ તલાસી લીધી હતી. આ શખ્સના કબજામાંથી રૂપિયા પચાસ હજારની કિમતની એક પિસ્તાલ અને છ જીવંત કાર્ટીસ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી.
જેમાં આ હથિયાર નવસારીમાં જલાલપોર ખાતે રહેતા અને જમીન-બિલ્ડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર ઉમેશ રમેશભાઈ ઠુંમર નામના શખ્સે જામનગરના કોઈ શખ્સને સપ્લાય કરવા આપી પોતાને અત્રે મોકલ્યો હોવાનું જસ્મીને જણાવ્યું હતું. જામનગર પહોચ્યા બાદ કોને હથિયાર સપ્લાય કરવાનું છે એ ફોન કરી જાન કરવાની ઉમેશે સુચના આપી હતી, પરંતુ જામનગરમાં પ્રવેશતાની સાથે જ પોલીસે જસ્મીનને ઉપાડી લીધો હતો. આ બાબતે સ્થાનિક પોલીસે નવસારી પોલીસને જાણ કરી સપ્લાયર બિલ્ડર અંગેની ભાળ મેળવવા મદદ માંગી છે. આ હથિયારના સહારે જામનગરમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ ? હથીયારનો રીસીવર કોણ છે ? સહિતની કડીઓ નવસારીનો બિલ્ડર પકડાયા બાદ મળશે એમ એલસીબી સુત્રોએ જણાવ્યું છે. પિસ્તોલ અંગે વધુ કડીઓ મેળવવા પોલીસે મૂળ કાલાવડના શખ્સને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.