જામનગરમાં આરટીઆઈ કાર્યકર્તા પર સાત જેટલા શખ્સ દ્વારા હુમલો-મારકૂટ અસામાજીક પ્રવૃતિઓ સામે મુહિમ ચલાવતા આરોપીઓને પસંદ નહીં પડતા ડખ્ખો 

જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : જામનગરમાં એક આરટી આઈ એક્ટીવીસ્ટ ઉપર હિચકારો હુમલો કરાયો છે અને સાત જેટલા શખ્સો દ્વારા છરી-ધોકા-પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિની સામે પોતે મુહિમ ચલાવતા હોવાથી આ હિચકારો હુમલો કરાયો હોવાનું પોલીસ સમક્ષ રજૂ કરાયું છે અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં દિગ્વીજય પ્લોટ શેરી નં. 54માં વિશ્રામ વાડી પાસે બ્રહાણી નિવાસ નામના મકાનમાં રહેતા અને આરટી આઈ એક્ટીવીસ્ટ તરીકે કાર્યકરતા દિનેશ કાનજીભાઈ ભદ્રા (ઉ.વ.44) રાત્રે આઠ વાગ્યે ઉધોગનગર ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા જે દરમ્યાન સાત જેટલા શખ્સોએ આવી અને તેઓને આંતરી લીધા હતા અને મારકૂટ શરૂ કરી હતી.
તમામ હુમલાખોર શખ્સોએ છરી વડે હાથમાં હુમલો કરી ઇજા પહોંચાડી હતી ઉપરાંત લોખંડની એક્સલ ધોકા- જેવા હથિયારો વડે આડેધડ હુમલો કરી હાથની કોણી ભાંગી નાખી હતી ઉપરાંત પગની ઢાંકણી ભાંગી નાખી સાથળમાં ફેક્ચર કર્યું હતું. જયારે પગમાં ઇજા પહોંચાડી હતી અને અસંખ્ય ફેક્ચર કરી નાખ્યા હતા જેથી તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
આ બનાવની જાણ થતા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેનું નિવેદન તેણે જણાવ્યું હતું કે પોતે છેલ્લા કેટલાક સમયથી દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ સામે મુહિમ ચલાવતા હોવાથી અને દારૂના ધંધાર્થીઓ વિરુધ્ધ આંદોલન ચલાવતા હોવાથી હુમલાખોર આરોપીઓને પસંદ નહીં પડતા આ હિચકારો હુમલો કરાયો છે. જે નિવેદનના આધારે સીટી સી ડિવિઝન પોલીસે હુમલાખોર સતીષ જેઠાલાલ મંગે, જીગ્નેશ વિનોદભાઈ ખીચડા, મહેન્દ્ર જેન્તીભાઇ મંગે, અમિત નરેન્દ્ર, મનિષ રમેશભાઈ દામા અને બે અજ્ઞાત શખ્સો સામે આઇપીસી કલમ 325, 324, 204, 143, 147, 148 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.