માલીક અને ચાલક દ્વારા અધિકારી સાથે ગેરવર્તન અને ધમકી આપી : સિક્યુરિટી ગાર્ડને મારકૂટ : ફરિયાદ અંગે તજવીજ 


જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના અલિયાબાડા ગામ પાસે રોયલ્ટી ભર્યા વગર પસાર થતા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરને અટકાવી ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આ વેળાએ ડમ્પરના માલીક અને ચાલક દ્વારા અધિકારી સાથે ગેરવર્તન કરી ધમકી આપી તેમજ સિક્યુરિટી ગાર્ડને મારકૂટ કરી ઇજા પહોંચાડવા અંગે જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના અલિયાબાડા ગામ પાસે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ ભરેલ જીજે 13 એટી 0998 નંબરનું ડમ્પર પસાર થતું હોય તેને અટકાવી તલાશી લેતા તેમાં 25 ટન ઓવરલોડ રેતી ભરેલ હોય પરંતુ રોયલ્ટી ભરી નહીં હોવાથી પકડી પાડવામાં આવ્યું હતું. આ વેળાએ ખાણખનીજ વિભાગના અધિકારી સાથે ડમ્પરના ખાણખનિજના અધિકારી સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી ટોમી સાથે મારવાની ધમકી પણ આપી હોવાનું ખાણખનીજ વિભાગના અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું. ત્યારબાદ નજીક આવેલ કેનાલ તરફ ગાડી વાળી મૂકી હતી અને ડમ્પર ચાલક અને માલીક દ્વારા સિક્યુરિટી ગાર્ડને મારકૂટ કરી ઇજા પહોંચાડી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે એક તરફ ખાણખનીજ વિભાગ દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી છે બીજી તરફ આ બનાવ અંગે જાણવા મળતા અહેવાલ પ્રમાણે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.