કંપની મેનેજમેન્ટ તથા સરકાર ઘોર નિંદ્રામાં 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં છેલ્લા 70 વર્ષથી ચાલતી "દિગ્જામ" કંપની કે જે દેશના સીમાડા ઓળંગીને વિદેશોમાં ધિકતો ધંધો કરતી હતી અને પ્રતિમાસ લગભગ 4,00,000(ચાર લાખ) મીટર કપડાના ઉત્પાદનની કેપેસિટી ધરાવે છે પરંતુ છેલ્લા નવ માસથી ઉત્પાદન સંદતર બંધ કરી દેવામાં આવેલ છે અને છેલ્લા ઘણા સમયથી અનિયમિત પગાર મેળવતા સ્ટાફના કર્મચારીઓને છેલ્લા 13 થી 18 માસનો પગાર ચુકવવામાં આવેલ નથી એટલું જ નહીં પરંતુ સ્ટાફના કર્મચારીઓને મળતા એલ.ટી.એ., મેડીકલ અને બોનસ જેવી રકમ પણ કંપની દ્વારા ચુકવવામાં આવતી નથી તેથી કર્મચારી ખુબ જ નાણા ભીડ (આર્થિક સંકડામણ) અનુભવે છે સ્ટાફના ચડત પગાર તથા ભથ્થા બાબતે મેનેજમેન્ટ સમક્ષ રજુઆત સ્ટાફ દ્વારા કોઈપણ કારણસર કરવામાં આવતી નથી પરંતુ આ બાબતે સ્ટાફના કર્મચારી જયેશ મહેતા દ્વારા કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ અજય અગ્રવાલ સમક્ષ રજુઆત કરી અને પગાર બાબતે પૂછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્ય ન હતા. 
ઉપરોક્ત પરિસ્થતિમાં મિલના કર્મચારીઓ પોતાના પરિવારનું ભરણપોષણ, શિક્ષણ અને મેડિકલ સારવાર મેળવવામાં ખુબ જ તકલીફ પડે છે એની સતત માનસિક તનાવમાં રહે છે. કાળઝાળ મોંઘવારીમાં સતત આર્થિક સંકડામણ અને માનસિક તનાવમાં જીવતા કર્મચારીઓના પરિવાર કે તેના સભ્ય કંઈ પણ કરી શકે તેવી પુરી શક્યતા છે. ગઈકાલે જ જામનગરના કિશનચોક વિસ્તારમાં જે બનાવ બન્યો તેવો બનાવ બનશે તો "દિગ્જામ" કંપનીને જવાબદાર ગણવામાં આવશે. 
દિગ્જામ કંપનીની ઉપરોક્ત પરિસ્થિતિ હોવા છતાં કંપનીનું સ્થાનિક મેનેજમેન્ટ કે ઉચ્ચ મેનેજમેન્ટ તથા સરકારી તંત્રને કંઈ જ પડી નથી. સ્ટાફ લગભગ 110 સહિત લગભગ 660 પરિવારની રોજીરોટીનો સવાલ છે ત્યારે સરકારી તંત્રના આંખ મીચામણાથી કામદારો/કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળે છે અને સતત ચિંતાતુર રહે છે. 13 થી 18 માસથી પગારથી વંચિત રહેલ જો સ્ટાફનો કોઈ કર્મચારી કે તેના પરિવારનો કોઈ સભ્ય કંઈ પણ પગલું ભરશે તો તેની તમામ જવાબદારી મિલ મેનેજમેન્ટ તથા સરકારની રહેશે અને આ બાબતની સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાવમાં આવનાર હોવાનું મિલના કર્મચારી જયેશ મહેતા જણાવ્યું છે.