આઈ.ટી.આઈ.ના વિધાર્થી પર અન્ય વિધાર્થીઓ દ્વારા હુમલો : હુમલાખોરો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના એસ.ટી. ડેપોમાં નવ જાન્યુઆરીના દિવસે વિધાર્થીઓ વચ્ચે બબાલ થઇ હતી અને બસમાં બેસવાના મામલે અલીયાબાડાનાં રહેવાસી અને આઈ.ટી.આઈ.ના એક વિધાર્થી ઉપર અન્ય કોલેજમાં ભણતા અને લાલપુરના મેમાણા ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકના કોલેજીયનોએ હુમલો કર્યાની ફરિયાદ અરજી એસ.પી. સમક્ષ કરવામાં આવી છે. ઉપરાંત હુમલાખોરો એસ.ટી. ડેપોના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસ તમામને શોધી રહી છે. 
જામનગર તાલુકાના ચેલામાં રહેતા અને જામનગર શહેરમાં આઈટીઆઈમાં અભ્યાસ માટે રોજ આવતા ચારેક જેટલા વિદ્યાર્થીઓ ગયા બુધવારે પોતાના નિત્યક્રમ મુજબ એસ.ટી. બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ બસમાં જ રહેલા કેટલાક શખ્સો પૈકીનો એક શખ્સ તેઓને ગાળો આપવા માંડતા આ વિદ્યાર્થીઓએ ગાળો નહીં બોલવા સમજાવ્યો હતો. આથી ઉશ્કેરાયેલા આ શખ્સે બસને જામનગર પહોંચવા દે તેમ કહ્યા પછી મોબાઈલ પર કોલ કરી પોતાના કેટલાક સાગરિતોને બોલાવી રાખ્યા હતા. આ બસ જ્યારે એસ.ટી. ડેપોમાં આવી પહોંચી ત્યારે તેમાંથી ઉતરેલા આ ચારેય વિદ્યાર્થીઓને ત્યાં અગાઉથી હાજર દસથી પંદર જેટલા શખ્સોએ લમધારવાનું શરૃ કર્ય્ું હતું. સવારે અગિયારેક વાગ્યે બનેલા આ બનાવના પગલે ડેપોમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે ઉપરોક્ત બનાવ એસ.ટી. ડેપોના સીસીટીવી કેમેરામાં કેદ થવા લાગ્યો હતો. આ વિદ્યાર્થીઓને પેટ ભરીને માર માર્યા પછી હુમલાખોરો નાસી ગયા હતા ત્યાર પછી આ વિદ્યાર્થીઓએ જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ બાબતની પોલીસમાં અરજી કરાયા પછી પોલીસે એસ.ટી. ડેપોના સીસી ફૂટેજ ચકાસણી હુમલાખોરોના સગડ દબાવ્યા છે.