જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી શાળા વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા એક મહિલાના હાથમાં રહેલા થેલામાંથી રૂ. 50 હજારની રોકડ રકમ ભરેલી કોથળીની ઉઠાંતરી થઇ ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવતાં ચકચાર જાગી છે. શાકભાજી વિક્રેતા બેન્કમાંથી રોકડ ઉપાડીને એક કરીયાણાની દુકાને ખરીદ કરવા ગયા હતા જે દરમ્યાન કોઈ તસ્કરોએ રોકડ રકમ સેરવી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરતા પોલીસે સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરી છે. 
મળતી વિગત મુજબ ધ્રોલના લતીપુર રોડ પર આવેલી વાડી શાળા નં.૪ પાસે રહેતા અને શાક બકાલાનો છૂટક વેપાર કરતા વનીતાબેન જયસુખભાઈ ચૌહાણ નામના મહિલા ગુરૃવારે સવારે ધ્રોલની એસબીઆઈ બેંકમાં આવેલા પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પહોંચ્યા હતા જ્યાંથી વનીતાબેને રૃા.૮૦ હજારની રોકડ ઉપાડયા પછી તેમાંથી રૃા.પ૦ હજાર કોથળીમાં નાખી પોતાની પાસે રહેલા થેલામાં મૂક્યા હતા. જ્યારે રૃા.૩૦ હજાર બીજા પાકીટમાં મૂકી તે પાકીટ પણ થેલામાં મૂક્યું હતું. ત્યાર પછી આ મહિલા બેંકમાંથી રવાના થઈ ધણચોકમાં આવેલા ગાંડાલાલ શામજીભાઈ નામના કરિયાણાના વેપારીની દુકાને ખરીદી માટે પહોંચ્યા હતા તે દરમ્યાન કોઈ શખ્સે વનીતાબેનની નજર ચૂકાવી પોતાની પાસે રહેલી બ્લેડ વડે થેલામાં ચેકો પાડી તેમાંથી રૃા.પ૦ હજારની રોકડવાળી કોથળી તફડાવી હતી. કરિયાણું લીધા પછી જ્યારે આ મહિલા પોતાને ઘેર પહોંચ્યા ત્યારે તેઓને થેલીમાં ચેકો જોવા મળ્યો હતો અને રૃા.પ૦ હજારની રોકડવાળી કોથળી મળી ન હતી. આથી હાંફળાફાંફળા બનેલા વનીતાબેન ફરીથી કરિયાણાની દુકાને તપાસ માટે ગયા હતા જ્યાંથી તેઓને જે કોથળીમાં તેઓએ રૃા.૫૦ હજાર રાખ્યા હતા તે ખાલી કોથળી મળી આવી હતી. આથી વનીતાબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.