જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ દ્વારકા : દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતી એક પરિણીતાએ ગઇકાલે કરિયાવર અને સંતાન બાબતે અવારનવાર મેણાં-ટોણાં મારતા ગળાફાંસો ખાઇ લઇ જિંદગી ટૂંકાવી લેતાં આ બનાવ અંગે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે સાસરીયા પક્ષના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતી ડીબુબેન પ્રવિણભાઇ માણેક ઉર્ફે પૂનમબેન નામની હિન્દુ વાઘેર પરિણીતાએ ગઇકાલે ગુરુવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દરમ્યાન પરિણીત યુવતિના આપઘાતના આ બનાવ અંગે મૃતક પરિણીતાના સંબંધી અને દ્વારકા તાલુકાના રાંગાસર ગામે રહેતા ભીખાભા એભાભા સુમણીયા (ઉ. 28) એ કુરંગા ગામે રહેતા મૃતકના પતિ પ્રવિણભા ખીરાભા માણેક, સસરા ખીરાભા કારુભા, સાસુ કલીબેન ખીરાભા, નણંદ જશુબેન ખીરાભા તથા જેઠ સોમાભા ખીરાભા માણેક સામે આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.
દરમ્યાન પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ ડીબુબેન ઉર્ફે પુનમબેનને આરોપી સાસરીયાઓએ લગ્ન બાદ ત્રણેક માસથી છેલ્લા ચારેક વર્ષ દરમ્યાન તું તારા બાપના ઘરેથી કંઇ લાવી નથી, તને સંતાન થતું નથી, તું વાંઝણી છો, જેવા વહેણ કરી, ઘરકામ બાબતે અવારનવાર મેણાં-ટોણાં મારી અપશબ્દો ઉચ્ચારી, શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ ગુજારવામાં આવતો હતો, આખરે તેણીએ કંટાળીને મોત મીઠું કરી લીધાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઇપીસી કલમ-306, 498 (એ), 114 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પી.આઇ. એસ.વી. વસાવાએ હાથ ધરી છે.