જામનગર મોર્નિંગ - ગાંધીનગર : જામનગર તથા દેવભૂમિમાં બે અધિકારીની નિયુક્તિઃ
ગુજરાતના ગૃહ વિભાગે હાલમાં જ એક વર્ષની તાલીમ પૂર્ણ કરનાર ઓગણીસ ડીવાયએસપીને આઉટડોર (ફિલ્ડ) તાલીમ માટે જુદા જુદા જિલ્લાઓમાં મૂકવાનો હુકમ કર્યાે છે જેમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે ડીવાયએસપીની નિયુક્તિ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૧૪-૧પમાં આપેલી જાહેરાત પછી લેવામાં આવેલી ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-રની જગ્યાઓ માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બિન હથિયારધારી નાયબ પોલીસ અધિક્ષક-વર્ગ-૧ ની જગ્યાઓ પર નિમણૂક માટે ફાળવણી કરેલા ઉમેદવારો માટે બે વર્ષની અજમાયશી નિમણૂકના આદેશો કરાયા હતા જેમાંથી કરાઈની પોલીસ અકાદમીમાં એક વર્ષની તાલીમ પૂર્ણ કરનાર એકવીસ પૈકીના ઓગણીસ નાયબ પોલીસ અધિક્ષકને આઉટડોર (ફિલ્ડ) તાલીમ માટે જુદા જુદા સ્થળોએ મૂકવાનો આદેશ થયો છે. ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે તેના જાહેર થયેલા લીસ્ટ મુજબ તાલીમ પૂર્ણ કરનાર ચિરાગ આઈ. દેસાઈને જામનગરમાં તથા મિલાપ એલ. પટેલને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફિલ્ડ તાલીમ માટે નિયુક્તિ આપવામાં આવી છે તે ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ગિર સોમનાથ સહિતના ઓગણીસ જિલ્લાઓમાં નિમણૂકનો હુકમ આવ્યો છે.