શો રૂમમાં કામ કરતા શખ્સે પાંચ મોટરસાઇકલો ચોરી કરી લીધા: ચોરાઉ બાઇકના સ્પેર પાર્ટ્સ જુદા પાડી વેચવાની પેરવી કરતા પકડાઈ ગયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલા એક બાઇકના શો રૂમમાંથી પાંચ નંગ બાઈકની ચોરી થઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, શો રૂમમાં જ કામ કરતા એક કર્મચારીનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું છે, ચોરાઉ બાઇકના સ્પેર પાર્ટ્સ જુદા પાડી વેંચી નાખવાની પેરવી કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને સમગ્ર કારસ્તાન સામે આવ્યું છે. 
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પોલીસ હેડ ક્વાટર્સની સામે આવેલા કરણ એન્ટરપ્રાઇઝ નામના બાઇકના શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ ગોરધનભાઈ મોઢા નામના કર્મચારીએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બાઈક ચોરી અંગેની ગઈકાલે ફરિયાદ નોંધાવી છે, પોતાના દ્વારા ગોદામમાં વાહનોની ગણતરી કરતા તા. 1-3-19 થી 27-5-19ના સમયગાળા દરમ્યાન શો રૂમમાંથી કુલ રૂ. 2,47,216ની કિંમતના પાંચ નંગ મોટરસાઇકલો ચોરી થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું જેથી ગઈકાલે ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત ચોરી અંગે શો રૂમમાં જ કામ કરતા જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતા મહંમદ હુશેન મહેબુબભાઈ નામના વાઘેર શખ્સનું કારસ્તાન હોવાનું માલુમ પડ્યું હતું, દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફે ગઈકાલે દરબારગઢ વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળેલા મહંમદ હુશેનને પકડી પાડ્યો હતો અને નંબરો કેમ નથી તે અંગે પુછપરછ કરતા આખરે પોતે ભાંગી પડ્યો હતો અને પોતે રૂ. આઠ હજારની પગારથી જે શો રૂમમાં નોકરી કરે છે ત્યાંથી થોડા-થોડા સમયના અંતરે પાંચ નંગ બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. 
શો રૂમમાં બાઈક ખરીદવા માટે કોઈ ગ્રાહક આવે ત્યારે મેનેજર અથવા સ્ટાફની નજર ચૂકવી અંદરથી 1 ના બદલે 2 બાઈક બહાર કાઢીને રોડ પર મૂકી દેતો અને ત્યાંથી પોતાના ઘેર લઈ જતો હતો. 
જે પૈકી એક બાઈક નંબર પ્લેટ વિના પોલીસના હાથે પકડાઈ ગયું હતું, જ્યારે બાકીના ચાર બાઇકના સ્પેર પાર્ટ્સ જુદા પાડીને વેચવાની પેરવી કરતો હતો પરંતુ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો, દરબારગઢ પોલીસ ચોકીના સ્તાગે એક બાઈક તેમજ અન્ય સ્પેર પાર્ટ્સ વગેરે મળી કુલ રૂ. 1,60,000ની માલ સામગ્રી 41 (1) ડી મુજબ કબ્જે કરી છે અને વિશેષ પુછપરછ હાથ ધરી છે.