• એકટીવા માં જઈ રહેલા માતા પુત્રી પૈકી માતાનું પુત્રીની નજર સમક્ષ જ કમકમાટીભર્યુ મૃત્યુ

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક ગઈકાલે રાત્રે એક ટ્રક અને સ્કુટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એકટીવા સવાર માતા-પુત્રી ને ટ્રકચાલકે હડફેટમાં લઇ લેતાં પાછળ બેઠેલી માતા નું પુત્રીની નજર સમક્ષ જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. ટ્રકના પાછળના જોટા માં મહિલાનું માથું છુંદાઇ જતાં બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

 જામનગર માં મહાપ્રભુજીની બેઠક વાળા રોડ પર ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં પૂરપાટ વેગે આવી રહેલા જીજે -૧૦ ઝેડ ૭૭૫૨ નંબરના ટ્રકચાલકે આગળ જઈ રહેલા જીજે -૧૦ સીએલ ૭૪૦૩ નંબરના એકટીવા સ્કૂટર ને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક્ટીવા સ્કુટર ચાલક મોહિનીબેન કાનજીભાઈ પરમાર નામની અઢાર વર્ષની યુવતીને છોલ છાલ સહિતની સામાન્ય ઇજા થઇ હતી.

 પરંતુ એકટીવા સ્કુટરની પાછળની સીટમાં બેઠેલી તેની માતા મંજુલાબેન કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૪૫) ને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી, અને પુત્રીની નજર સમક્ષ જ માતાનું ગંભીર ઈજા થવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

 ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવ્યો હોવાથી મંજુલાબેન ના માથા પરથી ટ્રક નો જોટો ફરી વળતાં ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા, અને પુત્રીએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

 આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી-એ ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ટ્રકના ચાલક સામે ગુનો નોંધી ટ્રક કબજે કરી લીધો છે, અને ટ્રક ચાલક ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.