• સુજલામ સુફલામ યોજનાની આડમાં ચાલતો માટી વેચવાનો કારોબાર અંકુશમાં આવશે.
  • માટીની આડમાં કિંમતી ખનીજની પણ હેરાફેરી થતી હોવાનું અગાઉ પ્રકાશમાં આવ્યું હતું.
  • ખેડૂતોના નામે મંજૂરી મેળવી વેચાણથી માટી પોરબંદર - જામનગર સુધી ખુબ મોંઘા ભાવે પહોંચાડતી હતી.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.24 : ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજનાનો હેતુ છે કે ગામના તળાવો ઊંડા થાય ને તેમાંથી નીકળતી માટી તે ગામના ખેડૂતોને વિનામુલ્યે મળી રહે જેથી જમીન પણ ફળદ્રુપ બને અને તળાવો ઊંડા ઉતરતા તેમાં પાણીની સંગ્રહ શક્તિ વધી શકે સરવાળે સુજલામ સુફલામ યોજનાથી ખેડૂતોની જમીનમાં સુધારો થાય અને પાણીના સંગ્રહ  વધારી શકાય.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ઊંડા કરતા નીકળતી માટીનું વેચાણ થકી કારોબાર ચાલતો હોય ગામના ખેડૂતોને બદલે દૂર દૂર સુધી વેચાણથી માટી મોકલાતી હોય આવી બાબતની ફરિયાદો જીલ્લા તંત્ર સુધી આવતા જીલ્લા કલેક્ટરની આગેવાનીમાં નિર્ણય લેવાયો છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન સુજલામ સુફલામ કે અન્ય રીતે તળાવો ઊંડા કરવા માંથી નીકળતી માટી જે - તે લગત ગામના ખેડૂતો લઇ શકશે દૂરના વિસ્તારોમાં આ માટી મોકલી શકાશે નહી. તે બાબતે જીલ્લા કલેકટરની સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.

જેમાં જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નગરપાલિકા , ગ્રામપંચાયત તેમજ સિંચાઈ વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ / પેટા વિભાગ દ્વારા તેમના કાર્યક્ષેત્રના વિસ્તારોમાં માટી , મોરમ કાઢવા માટે મંજુરી આપવામાં આવતી હોય છે . ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજખાતાનાં નિયમો માઈન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ -૧૯૫૭ , ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો -૨૦૧૭ તેમજ ગુજરાત મિનરલ્સ ( પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ ) રૂલ્સ ૨૦૧૭ મુજબ જમીનમાંથી નીકળતા કોઈ ખનીજનું મંજુરી વગર ખનન / વહન / સંગ્રહ કરવું , વપરાશ કરવો તે ગુનો બને છે . ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો -૨૦૧૭ ની જોગવાઈ મુજબ સરકારી કામ / જાહેર કામ માટે સરકારશ્રીની ગાઈડલાઈન્સ / પરિપત્રો મુજબ મંજુરી મેળવવાની થાય છે . ઉપરોક્ત સરકારશ્રીના ઠરાવ અન્વયે સુજલામ - સુફલામ જળ અભિયાનની કામગીરી અંતર્ગત જીલ્લાના વિવિધ ગામોમાં ખેત સુધારણા માટે માટી / કાંપ ઉપાડવા બાબતે સિંચાઈ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવે છે .ખાણ ખનીજ કચેરી અને પોલીસ વિભાગ વિગેરે સંલગ્ન ખાતાઓની ચેકિંગ કાર્યવાહી દરમિયાન સિંચાઈ વિભાગ તરફથી આપવામાં આવેલ મંજુરીઓમાં લગત ગામના ખેડૂતોને લાભ ન મળતા કસુરદારો દ્વારા અન્ય કોઈ ગામ કે વિસ્તારમાં માટી , મોરમ ખનીજનું વહન કરતા હોવાનું ધ્યાને આવેલ છે , જેમાં અત્રેની કચેરીને ફરિયાદો મળેલ છે અને બિનજરૂરી પ્રશ્નો ઉપસ્થિત થવા પામેલ છે . તેમજ માટી , મોરમ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ વહન કરનાર ઇસમોને આવી મંજુરીથી આ મંજુરીની આડ હેઠળ ગેરકાયદેસર માટી , કોપ કે મોરમ ખોદકામ વહનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે . આમ , તા .૧૯ / ૦૪ / ૨૦૦૧ ના રોજ યોજાયેલ કાયદો અને વ્યવસ્થા ની બેઠકમાં માન . કલેકટર સાહેબશ્રી સાથે આ બાબતે થયેલ રૂબરૂ પરામર્શમાં ઉપરોક્ત સરકારશ્રીના ઠરાવ હેઠળ વર્ષ ૨૦૧૧-૨૦૧૨ દરમિયાન આપશ્રી દ્વારા આપવામાં આવેલ માટી , કાંપ કાઢવાની તમામ મંજુરીઓ તાત્કાલિક રદ કરી લગત ગ્રામ પંચાયત તેમજ જે - તે ગામના તળાવોમાંથી નીકળતા માટી , કાંપ જે - તે ગામના દુર - દરાજનાં ખેડૂતો સિવાય સામાન્ય ખેડૂતો / ખાતેદારોનાં ખેત - સુધારણાના કામે વપરાશમાં લેવામાં આવે તે હિતાવહ જણાય છે . આ બાબતે વિવિધ ગ્રામ પંચાયતો અને વિવિધ ગામના ખેડૂતો તરફથી વિરોધ દર્શાવેલ છે , જેથી જે - તે ગામના તળાવોમાંથી માટી - કાંપ જેતે ગામના ખેડૂતોને ઉપયોગમાં લેવામાં આવે તે ઉચિત જણાય છે , જેથી લગત ગામના ખેડૂતોને લાભ મળે તે હેતુસર આપેલ મંજુરીઓમાં સુધારો કરી નવેસરથી મંજુરી આપવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા પત્રમાં  જણાવાયું છે.