જામનગર તા ૨, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા એક વયોવૃદ્ધ પોતાના ઘેર જમતાં જમતાં એકાએક ઢળી પડ્યા હતા, અને બેભાન બની ગયા પછી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ માં રહેતા મેપાભાઇ નારણભાઈ વાઘેલા નામના ૭૩ વર્ષના વયોવૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર જમતા હતા તે દરમિયાન એકાએક બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેઓને સારવાર માટે જામજોધપુર ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશ મેપાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે મેપાભાઇ ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.