• વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલી મોકડ્રીલને નિર્ધારિત ૧૦ મિનિટમાં જ પૂર્ણ કરી લેવાઇ
  • સમગ્ર મોકડ્રીલ દરમિયાન મ્યુનિ.કમિશનર- અધિક કલેકટર-ડીન સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા

જામનગર તા ૬, તાજેતરમાં જ ભરૂચ ની કોવિડ હોસ્પિટલમાં થયેલી આગજનીની ઘટના પછી ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ફાયર પ્રણાલીને ચકાસવા માટેની સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનર અને અધિક કલેકટર તેમજ જી.જી. હોસ્પિટલના ડીન સહિતની હાજરીમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી, અને ફાયરના તંત્ર તેમજ સિક્યુરીટી વિભાગ વગેરે દ્વારા દસ મિનિટમાં સફળતાપૂર્વક સંપન્ન કરી લેવામાં આવી હતી.

 જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ માળે શોર્ટસર્કિટના કારણે આગ લાગી છે, અને બંને સ્થળે બે- બે દર્દીઓ ફસાયા છે. તેવી માહિતી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને મળતાં ફાયરના ૧૨ જેટલા જવાનો નો કાફલો બે ફાયર ફાઇટરો તેમજ એક એમ્બ્યુલન્સ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી.

 સૌપ્રથમ ફાયર ટેન્ડર વડે કોવિડ બિલ્ડીંગ પરિસરમાં બહાર ના ભાગે લાગેલી આગ ના સ્થળે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી, ત્યાર પછી ગ્રાઉન્ડ ફ્લોર ના સાત બેડ સાથેના વોર્ડ માં પ્રવેશ કરી ત્યાં બે દર્દીઓને તાત્કાલીક અસરથી રેસ્કયુ કરી લેવાયા હતા.

 જ્યારે કોવિડ બિલ્ડિંગમાં પ્રથમ માળે બે દર્દીઓ કે જેઓને સાઈડના ભાગમાંથી સીડી ગોઠવીને રેસ્કયુ કરી નીચે ઉતારી લેવાયા હતા. જે સમગ્ર કામગીરી ૧૦ મિનિટમાં પૂર્ણ કરી લેવાઈ હતી.

 આ મોકડ્રીલ સમયે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, ડીન ડો. નદીની દેસાઈ, કોવિડ બિલ્ડિંગના ઇન્ચાર્જ ડો. તિવારી વગેરે હાજર રહ્યા હતા. જે તમામ ની ઉપસ્થિતિમાં સમગ્ર કામગિરી સમયસર સંપન્ન કરી લેવામાં આવી હતી.