અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક ફરાર

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા આહીર પરિવારના માતા પુત્ર આજરોજ બપોરે મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા આ માતા-પુત્રના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા હેમીબેન ડાડુભાઈ માડમ નામના 62 વર્ષના આહિર મહિલાને સાથે લઈને તેમના પુત્ર માલદેભાઈ ડાડુભાઈ માડમ (ઉ.વ. 41) સતાપર ગામે આવેલી તેમની વાડી ખાતે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે સતાપર ગામ નજીક પહોંચતા આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 એમ.આર. 5008 નંબરના એક મોટરકારના ચાલકે માલદેભાઈના મોટર સાયકલ સાથે ધડાકા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા મોટરસાયકલ ચાલક માલદેભાઈ તથા તેમના માતા હિમીબેનના કરુણ મોત નીપજ્યા હતા.


અકસ્માત સર્જી, આરોપી મોટરકાર પોતાની કાર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતક માલદેભાઈના મોટાભાઈ રામશીભાઈ ડાડુભાઈ માડમ (ઉ.વ. 42) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.