- લઘુતમ તાપમાન ૧૯.૦ ડીગ્રી: જ્યારે મહત્તમ તાપમાન ૩૨.૦ ડીગ્રી થઇ જતાં બપોરે આકરો તાપ
- જીલ્લા માં ભેજનું પ્રમાણ ઘટીને ૬૩ ટકા થઈ જતાં ઝાકળ ગાયબ: જો કે પવન વધ્યો
જામનગર મોર્જાનિંગ - જામનગર તા. ૧૯, જામનગર શહેર અને જિલ્લામાં આખરે ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે, અને હવે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૧૯.૦ ડીગ્રી સુધી ઉપર ચાલ્યો ગયો છે. તે જ રીતે બપોર દરમિયાન ગરમીનો પારો પણ ઉપર સરકીને ૩૨.૦ ડિગ્રીએ પહોંચતા આકરો તાપ પડ્યો હતો, અને પંખા- એ.સી. ચાલુ કરવાનો વારો આવી ગયો છે.
સાથોસાથ ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. ભેજનું પ્રમાણ ૬૩ ટકા થઇ જતા ઝાકળ ગાયબ થઈ છે.જોકે ગઈકાલે પવન વધ્યો હતો અને પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.
જામનગર શહેર અને જિલ્લાના ઠંડીનો પારો ધીમે ધીમે ઉપર સરકતો ગયો છે. અને પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી ઉપર ચડીને ૧૯.૦ ડીગ્રી સુધી પહોંચી ગયું છે. જેથી હવે સ્વેટર સહિતના ગરમ વસ્ત્રો ને અભેરાઇએ મૂકવાનો વારો આવી ગયો છે. જેની સાથે મહત્તમ તાપમાન પણ ૩૨.૦ ડિગ્રી થઈ જતા એસી-પંખા ચાલુ થઈ ગયા છે. ભેજનું પ્રમાણ પણ ઘટી જતાં હવામાન સુકુ બન્યું છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૯.૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૨.૦ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૫ કિ.મી.ની ઝડપે રહી હતી, જે વધીને ૩૦ કિમી સુધી પહોંચી હતી.
0 Comments
Post a Comment