(ભરત હુણ - જામનગર)

  • અમુક ખેડૂતોએ જણાવ્યા મુજબ 1200/- રૂપિયાની ખાતરની થેલી 2500/- રૂપિયા સુધીની કિંમતે કાળી બજારે ના છૂટકે ખરીદવી પડી રહી છે.


જામનગર મોર્નિંગ - જામનગર તા.19 : જામનગર સહીત ગુજરાત ભરમાં હાલ શિયાળુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો છે. જેમાં બિયારણના વાવેતર સાથે પાયાના ખાતર તરીકે ખેડૂતો દ્વારા DAP, NPK ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલુ વર્ષે જામનગર - દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ ખેડૂતોને DAP રાસાયણિક ખાતર મેળવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. ખાતર તૈયાર કરતી સરકારી ઇફકો સંસ્થા માંથી જ ખાતરની ઘટ અપાઈ રહી છે. તો અમુક જગ્યાએ મળતાં ખાતરના જથ્થાને સંગ્રહ કરી અછતનો લાભ લઈને કાળાબજારી પણ કરાઈ રહી હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઇફકો સંસ્થા દ્વારા ખાતરના નિયત ભાવ મુજબ એન. પી. કે. - 10-26-26 ના 1440/- રૂપિયા, એન. પી. કે. - 12-36-16 ના 1450/- રૂપિયા એન. પી. 20-20-0-13 ના 1220/- રૂપિયા ડી. એ. પી. 18-46-00 ના 1200/- રૂપિયા તથા નિમ કોટેડ યુરિયાના 266/- રૂપિયા કંપની દ્વારા 50 કિગ્રાની થેલીની કિંમત રખાઈ છે જેમાં યુરિયાની થેલી 45 કિગ્રાની આવે છે.

અછતના કારણે ખેડૂતોને શિયાળુ પાકના હાલના વાવેતર માટે ખાતર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે દુકાનદારો અને મંડળીઓ દ્વારા પણ અમુક અંશે બેનામી સંગ્રહખોરી કરીને બેફામ ભાવ પડાતો હોવા અંગે ખેડૂતોમાં કચવાટ ઉભો થયો છે જેમાં અમુક ખેડૂતોએ જણાવ્યા મુજબ 1200/- રૂપિયાની ખાતરની થેલી 2500/- રૂપિયા સુધીની કિંમતે કાળી બજારે ના છૂટકે ખરીદવી પડી રહી છે. હાલ 10-15 દિવસ ખેડૂતોને વાવેતરનો સમય છે જો એ સમયગાળામાં વાવેતર ના થઇ શકે તો સમયસર પાક થાય નહી એટલે પાકના વાવેતર માટે કોઈપણ રીતે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે મજબુર થવું પડી રહ્યું છે.