જામનગર મોર્નિંગ - જામનગર 

એક વૃદ્ધ સંન્યાસી હિમાલયની પહાડીઓમાં રહેતા હતા.તે બહુ મોટા જ્ઞાની હતા એટલે તેમની બુદ્ધિમત્તાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી.એક દિવસ એક સ્ત્રી તેમને પાસે આવીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે કે બાબા મારા પતિ મારી સાથે ઘણો જ પ્રેમ કરતા હતા પરંતુ જ્યારથી તે યુદ્ધની પરત આવ્યા છે ત્યારથી પ્રેમથી વાત પણ કરતા નથી.

સંન્યાસીએ કહ્યું કે સેનામાં ફરજ બજાવતા સૈનિકો લોકો સાથે આવો જ વ્યવહાર કરતા હોય છે.

મહિલાએ વિનંતી કરી કે લોકો વાતો કરે છે કે આપની આપેલ જડીબુટ્ટીથી માનવીમાં ફરીથી પ્રેમ પેદા કરે છેકૃપા કરીને મને એવી જડીબુટ્ટી આપો કે હું પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત કરી શકું.

સંન્યાસીએ થોડો સમય વિચાર કરીને કહ્યું કે દેવી.. હું તમોને જડીબુટ્ટી જરૂર બનાવી આપીશ પરંતુ તેને બનાવવા માટે મારે એક એવી ચીજની જરૂર છે કે જે મારી પાસે નથી.મહિલાએ કહ્યું કે આપશ્રીને જે ચીજની જરૂર હશે તે હું ગમે તે રીતે લાવી આપીશ.

સંન્યાસીએ કહ્યું ચમત્કારીક જડીબુટ્ટી બનાવવા મારે વાઘની મૂંછના એક વાળની જરૂર છે. બીજા દિવસે તે મહિલા વાઘને શોધવા માટે જંગલમાં જાય છે.ઘણી શોધખોળ પછી નદી કિનારે એક વાઘ નજરે પડે છે. આ મહિલાને જોતાં જ વાઘ જોરથી ત્રાડ નાખે છે જેનાથી ગભરાઇને તે મહિલા પરત ઘેર જતી રહે છે કેમ કે સ્ત્રીનો સ્વભાવ બીકણ હોય છે.કેટલાક દિવસ સુધી આ ક્રમ ચાલે છે.મહિલા હિંમત કરીને વાઘ પાસે જાય છે અને બીકના લીધે ભાગી જાય છે.મહિના સુધી આવું ચાલ્યું તેથી વાઘને પણ આ મહિલાની હાજરીની ટેવ પડી જાય છે. હવે તો આ મહિલા વાઘના માટે માંસ પણ લઇને જાય છે અને વાઘ આરામથી લાવેલ ભોજન આરોગે છે. હવે તો આ મહિલા અને વાઘ વચ્ચે મિત્રતા થઇ જાય છે. હવે તો આ મહિલાને વાઘનો ડર લાગતો નથી.મહિલા વાઘના શરીર ઉપર હાથ ફેરવે છે.એક દિવસ મોકો મળતાં આ મહિલા વાઘની મૂંછનો એક વાળ લઇ આવે છે.

મહિલા વાઘની મૂંછનો વાળ લઇને સંન્યાસી પાસે જાય છે.સંન્યાસીએ આ વાળ લઇને સળગતી આગમાં નાખી દે છે.મહિલાને આશ્ચર્ય થાય છે કે ઘણા પ્રયત્ન પછી હું વાઘની મૂંછનો વાળ લાવી અને તેને આપે સળગાવી દીધો?

સંન્યાસીએ કહ્યું કે હવે તમારે જડીબુટ્ટીની કોઇ આવશ્યકતા નથી.જરા વિચારો.. તમે એક વાઘને વશ કરીને એક હિંસક પશુને ધૈર્ય અને પ્રેમથી જીત્યો છે તો શું એક માણસને વશમાં ના કરી શકોજેવી રીતે તમે વાઘને પોતાનો મિત્ર બનાવ્યો છે તેવી જ રીતે પોતાના પતિની અંદર પ્રેમભાવ જાગૃત કરો.

હવે આ મહિલાને સંન્યાસીની વાત સમજમાં આવી ગઇ હતી તેને સ્વભાવ બદલવાની જડીબુટ્ટી મળી ગઇ હતી.પતિનો સ્વભાવ જાણી લઇને તેમની આજ્ઞાને અનુસરવી તે સ્ત્રીનો ધર્મ છે.પતિ-પત્નીનો સ્વભાવ એક હોવો જોઈએમતભેદ હોય તો બંનેને શાંતિ મળતી નથી.બંનેના મન એક હોય બંનેનું લક્ષ્ય એક હોય તો સંસાર દીપે છે.શાંત સ્‍વભાવ, સરળ જીવન, સહનશીલતા, સહિષ્‍ણુતા, સંવેદનશીલતા, સમરસતા, પ્રેમ, નમ્રતા અને સમદ્રષ્‍ટિ વગેરે..ગુણો ભક્ત હોવાનાં પ્રમાણ છે.સારા સ્વભાવથી સ્નેહ વરતાઇ જાય છે. મન બદલાય તો સ્વભાવ બદલાય છે,વિચાર બદલાય છે અને વિચારો બદલાતાં જ જીવન જીવવાની રીત આપોઆ૫ બદલાઇ જાય છે.

કુટુંબમાં એક બીજાનું ધ્યાન રાખવાથી તથા એક બીજાને ખુશી આપવાથી મકાનમાંથી ઘર બને છે અને ત્યારબાદ ઘર મંદિર બની જાય છે.જે ઘરના વડીલોના આર્શિવાદ હોય તે ઘરમાં ખુશી આપોઆપ આવે છે. જો ઘરનું વાતાવરણ સારૂં હોય તો પ્રત્યેક કામમાં મન લાગે છે.ઘરના તમામ સદસ્યોમાં ઉત્સાહ જોવા મળે છે પરંતુ જો ઘરમાં ક્લેશ કંકાશ થતો હોય તો ઘરના કોઇ સદસ્યનું કામમાં મન લાગતું નથી તેમનું મન ભટકે છે એટલે જો ઘરની ઉન્નતિ ઇચ્છતા હોઇએ તો અંદરોઅંદરના ક્લેશ-કંકાશને દૂર કરી અંદરોઅંદર પ્રેમ વધારીએ..

સ્ત્રીઓએ ઓછું બોલવાનો અભ્‍યાસ રાખવો, સમજી વિચારીને મધુર શબ્‍દોમાં બોલવું,વ્‍યર્થ ના બોલવું, મઝાક ના કરવી,વિવાદ ના કરવો,ચ૫ળતા,ચંચળતા ન કરવી,પ્રત્‍યેક કાર્યને ખૂબ સમજી વિચારીને દ્રઢ નિશ્‍ચયની સાથે કરવું, શાંત અને શિષ્‍ટ વ્‍યવહાર કરવો, ઝઘડા ટંટામાં ના ૫ડવું, નાની સરખી વિ૫ત્તિ (દુઃખ) આવી ૫ડતાં વિચલિત ના થવું તેને ગંભીરતા કહે છે. તમામમાં એક જ આત્‍મા છે અથવા પ્રાણીમાત્ર તમામ એક જ પ્રભુના સંતાન છે એમ સમજીને મનમાં તમામના પ્રત્‍યે સમાનભાવ રાખવો, અન્‍યના દુઃખને પોતાનું દુઃખ માનવું, બધાના હિતમાં પોતાનું હિત સમજવું..એ સમતા છે.વ્‍યવહારિક કાર્યોમાં પ્રસંગોનુસાર ક્યારેક વિષમતા કરવી ૫ડતી હોય છે ૫રંતુ મનમાં આત્‍મદ્રષ્‍ટિથી તમામમાં સમતા રાખવી જોઇએ.

દુઃખ,કષ્‍ટ અને પ્રતિકૂળતાને સહન કરવાનું નામ સહિષ્‍ણુતા છે.આ નારી જાતિનો સ્‍વાભાવિક ગુણ છે. નારી પુરૂષના કરતાં વધારે સહનશીલ હોય છે.જો કોઇ સ્‍ત્રીને પ્રતિકૂળ ભાવોવાળો ૫તિ કે સાસુ મળે તો તેને સહિષ્‍ણુ બનીને તેઓને પ્રેમથી સન્‍માર્ગ ઉ૫ર લાવવા જોઇએ. સહન કરવું, ક્લેશ ના કરવો પરંતુ તેમની સાથે પ્રેમ કરવો અને પ્રતિવાદ ન કરતાં સેવા કરવી.. આ એક એવો અમોઘ મંત્ર છે કે જેનાથી ખૂબ જ ઓછા સમયમાં અશાંતિથી ભરેલું ઘર પુનઃ શાંતિ તથા સુખની લહેરોમાં ઉછળવા લાગે છે.

પોતાના સામાજીક વ્યવહાર અને સેવા-સત્કારની સાથે સાથે પોતાનો ૫તિ પોતાનાથી સંતુષ્ટ હોવો જોઇએ.સદગુરૂ પરમાત્માનીની કૃપા તે જ સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે કે જે યોગ્ય મર્યાદાનું પાલન કરતાં કરતાં પોતાના પતિને પ્રસન્ન કરે છે.નારી પૂર્ણ રીતે ૫તિવ્રતા તથા આદર્શ ર્માં હોવી જોઇએ.

 

વિનોદભાઈ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમાહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)