કોબાથી કમલમ સુધી હાર્દિક પટેલે સમર્થકો સાથે રોડ-શો કરી શક્તિપ્રદર્શન કર્યું: 12.39 કલાકે વિજય મુહૂર્તમાં હાર્દિક પટેલ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયો: જનતા સાથે દ્રોહ કરવા બદલ માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર
જામનગર મોર્નિંગ - ગાંધીનગર
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુરુવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા પૂર્વ નાણાં મંત્રી નીતિન પટેલેની હાજરીમાં હાર્દિકે કેસરિયા કર્યા હતા. અગાઉ હાર્દિક પટેલે પોતાના સમર્થકો સાથે કોબાથી કમલમ સુધી રોડ-શો યોજ્યો હતો અને ત્યારબાદ 12.39 કલાકે વિજય મુહૂર્તમાં હાર્દિક પટેલ ભાજપના ખેસ-ટોપી ધારણ કરી ભાજપમાં એન્ટ્રી કરી હતી.
હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતમાં જાણીતો ચહેરો બન્યો હતો. ત્યારબાદ તેણે કોંગ્રેસમાં જોડાઈને રાજકારણ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. જો કે કોંગ્રેસમાં તેને કાર્યકારી પ્રમુખનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના મોવડીમંડળ સામે નારાજગી વ્યક્ત કરતા હાર્દિક પટેલે ગત મહિને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તે ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. ગુરુવારે કમલમમાં હાર્દિકે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે કમલમ ખાતે વિવિધ સાધુ-સંતોએ હાર્દિકને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ કમલમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો જ્યારે નીતિન પટેલે હાર્દિકને કેસરી ટોપી પહેરાવીને ભાજપમાં જોડાવા બદલ શુભેચ્છા આપી હતી.
સવારે હાર્દિકે એસજીવીપી ગુરુકુળમાં ગૌપુજા કરી હતી ત્યારબાદ કોબાથી કમલમ સુધી તેણે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. બીજીતરફ કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ તથા તેજશ્રીબેન પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સ્ટેજ પર હાજર રહ્યા હતા.
0 Comments
Post a Comment