શહેરી વિસ્તારમાં ૫૦૦૮ તથા જામનગર, ધ્રોલ, કાલાવડ તથા જોડિયા તાલુકામાં ૬૨૮૮ પશુઓને રસીકરણ કરાયુ: જિલ્લામાં જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ: લમ્પી રોગ પર નિયંત્રણ માટે જિલ્લા તથા તાલુકાકક્ષાએ નોડલ અધિકારીઓની નિમણુક કરાઈ: પશુમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો ૧૯૬૨ હેલ્પલાઈન અથવા મુખ્ય પશુ દવાખાનાનો તાત્કાલિક સંપર્ક કરવા તંત્ર દ્વારા અનુરોધ

 


જામનગર 
મોર્નિંગ - જામનગર

જિલ્લામાં ગાયોમાં જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, જિલ્લા પશુ દવાખાનું અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પણ પશુપાલકોને અનુરોધ કરાયો છે.

 

LUMPY SKIN DISEASE ( LSD) રોગ વિશે

 

જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

 


રોગના લક્ષણો

 

રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર ૧૦ થી ૨૦ ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો ૧ થી ૨ ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

 

રોગચાળાને કાબુમાં લેવાના પગલાં

 

આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.

 

જિલ્લામાં પશુપાલન શાખા દ્વારા કરાયેલ કામગીરી

 

જામનગર શહેરમાં સૌ પ્રથમ આ રોગ ગાંધીનગર, રામેશ્વર નગર અને નવાગામ ઘેડ વિસ્તારમાં જોવા મળેલ. જિલ્લા પંચાયત, જામનગરની પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગત તા. ૦૩-૦૫-૨૦૨૨નાં રોજ આ વિસ્તારની-મુલાકાત લઈને રોગગ્રસ્ત ૨૮ પશુઓની સારવાર કરવામાં આવેલ. તેમજ ચોક્કસ નીદાન માટે જરૂરી ૨૧ સેમ્પલ લઈ અમદાવાદની પશુપાલન ખાતાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ.તેમજ પશુઓમાં જરૂરી રસીકરણ સત્વરે ઉપલબ્ધ કરાવી તા.૬-૫-૨૦૨૨થી આ અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોના ઘરે ઘરે જઈને તંદુરસ્ત પશુઓને આ રોગ વિરોધી રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૩ મે ૨૦૨૨થી તા.૩૧ મે ૨૦૨૨ સુધીમાં કુલ ૨૩૭ કેસ નોંધાયેલ છે. તેમજ કુલ પ૦૦૮ પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે.જેમાં મહાનગરપાલિકાના સહયોગથી તા.૨૮ થી ૩૧ મે ૨૦૨૨ દરમ્યાન ૧૫૬૬ બિનવારસુ પશુઓને થયેલ રસીકરણ સામેલ છે. ધ્રોલ તાલુકામાં ધ્રોલ અને લતીપુર ગામે ૨૩ મે ૨૦૨૨ના રોજ પ્રથમ કેસ નોંધાયેલ. જયારે આજદિન સુધી કુલ ૭૨ કેસ નોંધાયેલ છે. જે અન્વયે ૫૩૩ પશુઓને રસીકરણ થયેલ છે. કાલાવડ તાલુકામાં ગત તા.૨૯ મે ૨૦૨૨ના રોજ પ્રભુજી પીપળીયા ગામે પ્રથમ કેસ નોંધાયેલ. જે અન્વયે કુલ ૮ પશુઓને સારવાર અપાયેલ છે અને કુલ ૧૦૨ પશુઓને રસીકરણ કરેલ છે. જોડિયા તાલુકામાં ૧૭ મે ૨૦૨૨ના રોજ પ્રથમ કેસ નોંધાયેલ. આજ સુધીમાં કુલ ૨૬ પશુઓને આ બાબતે સારવાર થયેલ છે અને ૬૪૫ પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે. આમ જામનગર જિલ્લામાં ચાર તાલુકામાં કુલ ૩૪૩ કેસ નોંધાયેલ છે અને ૬૨૮૮ પશુઓને રસીકરણ થયેલ છે.

 

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલે જણાવ્યું છે કે જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં આવે નહી ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે. જેથી તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ છે કે આ રોગની સારવાર માટે નજીકના પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાના કે જેનો સમગ્ર રાજ્ય માટે ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર છે તેનો સંપર્ક કરવો. તથા રસીકરણ માટે તાલુકાના મુખ્ય પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

 

નિમાયેલા જિલ્લાના નોડલ અધિકારી

ડો.એ.સી.વીરાણી, નાયબ પશુપાલન નિયામક, જિ.પ. -જામનગર-૯૮૨૪૨ ૪૯૧૯૮, ડો.એ.બી.રાણીપા, મદદનીશ પશુપાલન નિયામક, જિ.પ. જામનગર- ૯૭૩૭૬ ૩૧૫૫૫.

 

તાલુકા નોડલ અધિકારી

જામનગર તાલુકા માટે ડો.સી.એ.ભંડેરી ૮૦૦૦૮૫૮૪૩૭, ધ્રોલ તાલુકા માટે ડો.કે.એન. પરમાર ૯૯૭૪૩૬૫૫૪૭, જોડિયા તાલુકા માટે ડો.કે.એન. ખીમાણીયા ૯૯૦૯૮૬૪૪૯૭, કાલાવડ તાલુકા માટે ડો.પી.બી.માદરિયા ૭૯૯૦૫૨૫૭૦૧, લાલપુર તાલુકા માટે ડો.એમ.પી.ગામીત  ૮૧૫૩૮૮૪૨૮૭ અને જામજોધપુર માટે ડો.આઈ.એમ.ભટ્ટી ૯૬૨૪૨૩૨૦૪૪ની નિમણુંક કરવામાં આવી છે.