મોર્નિંગ એક્સ્કલ્યુંઝીવ 

ભરત હુણ


ગુલામીની એ કાળી રાત્રી સમાનના દિવસો આપણા માંથી મોટા ભાગના ઓ એ જોયા નથી અનુભવ્યા નથી . પણ તે અંગે ખુબ સાંભળ્યું અને વાંચ્યું છે. એ યાતનાઓ પીડાઓ જેમણે સહન કરી હોય, એ આઝાદીની ચળવળમાં જેમણે કુરબાની આપી હોય કે લડતમાં ભાગ લીધો હોય એમનાથી વિશેષ કોણ આઝાદીને જાણતું હશે ! આઝાદી આપોઆપ નથી મળી તેના માટે ખુબ લાંબી ચળવળ ચાલી અને બાળકોથી લઈને યુવાઓએ અને વૃદ્ધ સુધીના લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપીને શહીદી વહોરી છે ત્યારે આજે આપણે આઝાદ ભારતમાં અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે.

દેશ આઝાદ થયાને આજે ૭૫ વર્ષ પૂર્ણ થયા ત્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સ તરીકે ઉજવી રહ્યા છે દેશ આઝાદ થયાને સાડા સાત દશકા વીત્યા અનેક સરકારો આવી અને ગઈ કોની સરકારમાં કેટલું થયું એ અંગે ચર્ચા કરવી જરૂરી છે એના કરતા વધારે આ બધી જ સરકારના સમય ગાળામાં જનહિત માટેના જે કામો થવા જોઈએ ખરેખરી લોકશાહી પદ્ધતિથી થવા જોઈએ તેમાં જોઈએ તો હજુ ઘણું ખૂટે છે અને તેમાં સૌથી વધુ ઈચ્છા શક્તિ ખૂટે છે જે ઉડીને આખે વળગે છે.


આઝાદીના ૭૫ વર્ષે પણ અનેક લોકોને રહેવા ઘર નથી , કેળવણી માટે અનેક વિસ્તારોમાં હજુ શાળા નથી. ચાલવા માટે રસ્તા નથી સુવા માટે ચાર પાયા વાળા ખાટલા પણ નથી ફૂટપાથો પર અને વન વગડાઓઓમાં દિવસો વિતાવે છે. મેગા શહેરોમાં અબજોના ખર્ચે ફ્લાય ઓવર બને છે એની સામે અનેક ગામડાઓને જોડતા હજુ રસ્તા નથી. સરકારો સાર્વત્રિક વિકાસના બદલે પોતાને સમર્પિત મતદારોના વિકાસમાં વધુ ગુચવાયેલ છે. એના પરિણામે આજે આઝાદ અને પ્રજાસતાક ભારતમાં અમુક માણસો ટોચ પર છે ત્યારે અનેક લોકો હજુ ગરીબીની ખાઈ માં છે એમને મન આઝાદી હજુ અમૃત મહોત્સ ક્યારે બનશે તે નક્કી નથી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થવી જ જોઈએ પણ આઝાદીનો આ પ્રજાસતાકનો લાભ સાર્વત્રિક હોવો જોઈએ છેવાડાના માનવીથી લઈને ટોચના વ્યક્તિ સુધીને સમાન અધિકાર અને સમાન તક મળવી જોઈએ ત્યારે જ આપણે સાચા આઝાદ અને પ્રજાસતાક થયા ગણાશું ત્યારે આપોઆપ અમૃત મહોત્સ બની જશે અને એની સાચી ઉજવણી સરકાર કરતા લોકો વધારે કરશે.