• 20 દિવસનું સરકારને અલ્ટીમેટમ અન્યથા લડી લેવાની નેમ
ભરત હુણ

જામનગર મોર્નિંગ - જૂનાગઢ તા.9 : રબારી, ભરવાડ અને ચારણ સમાજના પાંચ વર્ષ પડતર આદિજાતિના હક્કો માટેના પ્રશ્નએ સરકારના ઠાલાં આશ્વાશનો બાદ માલધારી સમાજનું કેશોદ અને માળીયા હાટીના નજીક આવેલ પાણીધ્રા ગામે મહાસંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉમટી પડ્યો હતો.


ગીર, બરડા અને આલેચમાં વસતા અને ત્યાંથી સ્થળઆંતર થયેલા રબારી ભરવાડ અને ચારણ સમાજનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરાયેલ છે. પણ ગુજરાત સરકાર દ્વારા 2018 થી અલગ અલગ પરિપત્રો કરીને એમના આદિજાતિના હક્કો સ્થગિત કરી દીધા છે.


ગુજરાત સરકાર દ્વારા અગાઉ 17551 કુટુંબોની અનુસૂચિતજનજાતિ માટે ઓળખ કરીને તેમને વિગત દર્શક કાર્ડ અપાયા હતા જે કાર્ડના આધારે તે પરિવારના સભ્યોને જાતિ પ્રમાણપત્ર અપાતા પણ હાલ તે કાર્ડને આધારે પ્રમાણપત્ર આપવાનું બંધ કરી દેતા સમાજ સરકાર પ્રત્યે નારાજ થઈને લડી લેવાના મૂડમાં આવી ગયો છે.


17571 પરિવારની જે ઓળખ કરાઈ હતી તે પરિવારોને અગાઉની જેમ રાબેતા મુજબ જાતિ પ્રમાણપત્ર મળે 200 થી વધારે દીકરા દીકરીઓ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલ પણ જાતિ પ્રમાણપત્રની તપાસના વાંકે નિમણુંક અટકાવેલ તેમને નિમણુંક મળે તે માંગ સાથે માળીયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં સૌરાષ્ટ્રભર માંથી એક લાખથી વધુ માલધારીઓ ઉમટી પડ્યા હતા. અને ગુજરાત ભરમાંથી માલધારી સમાજના આગેવાનો ભુવાઆતા-સાધુ સંતો જોડાયા હતા અને સરકારને આ માંગો માટે 30-09-2022એટલે 20 દિવસનું અલ્ટીમેટમ અપાયું જો 20 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની સંમેલનના પ્રણેતા ચોરવાડ મઢના ભુવાઆતા જીતુઆતા અને તેની ટીમ દ્વારા ચીમકી ઉચ્ચરવામાં આવી હતી.


આ મહાસંમેલનમા અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી દુધરેજના મહંત કનીરામ બાપુ, બળેજ મઢના જેઠા આતા, ઓળદર મઢના રામા આતા સહીત રબારી સમાજના તમામ મઢના ભુવા આતા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.