• તાલુકા, જીલ્લા અને રાજ્યસ્તરે આવેદન પત્ર પાઠવીને આજે એક દિવસ સામુહિક હડતાળ પર ઉતરશે.

ભરત હુણ - જામનગર

જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર, દેવભૂમિ દ્વારકા સહીત ગુજરાત ભરની આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાની વિવિધ માંગણીઓ સાથે લાંબા સમયથી વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. વધતી જતી મોંઘવારીમાં ગુજરાત સરકાર હસ્તકની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હજુ પણ સામાન્ય માનદ વેતનમાં નોકરી કરી રહ્યા છે ત્યારે પગાર વધારા, પ્રમોશન, ફેરબદલી અને તે સિવાય તેઓને નોકરીમાં પડતી મુશ્કેલીઓ બાબતે સરકારમાં અગાઉ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા ગઈકાલે તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ આંગણવાડીની બહેનો દ્વારા આવેદન પત્ર પાઠવીને પોતાની આઠ માંગણીઓ રજૂ કરી અને તે માંગણીઓ સ્વીકારવા માટે રજુઆત કરી હતી અને સાથે જ આજે સામુહિક રીતે એક દિવસની હડતાળ પર જવાનું નક્કી કરાયું છે.


આંગણવાડી અને તેડાગર બહેનોની માંગણીઓ :

  • ગુજરાત સરકાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે અન્યથા લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને ૨૧૦૦૦ / - તથા હેલ્પર બેન ને ૧૫૦૦૦ / - આપવામાં આવે.

  • કાર્યકર તેમજ હેલ્પર બેન ને બઢતીથી પ્રમોશન આપવામાં આવે તથા ઉમરનો બાધ દૂર કરી સીધું પ્રમોશન આપવામાં આવે તથા સીધી ભરતી માં ગ્રેજ્યુએશન થયેલી બહેનોને સીધુ પ્રમોશન ગણી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવામાં આવે

  • મોબાઇલ કે રજીસ્ટર માંથી કોઈપણ એક વાપરવામાં આવે તથા રજીસ્ટર અને સ્ટેશનરી કે ખર્ચ સરકાર દ્વારા ચુક્વવામાં આવે તથા મોબાઈલ સાથેની કામગીરી માં નેટવર્ક પ્રોબ્લેમ થતા હોય સારી ક્વોલિટીના ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે તથા દર મહિને રિચાર્જના નાણા સીધા જમા કરવામાં આવે અન્યથા બિલ્ડીંગ બીલીંગ દાખલ કરી ડાયરેકટ બિલ સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે .

  • આંગણવાડી હાલ માનદવેતન હોય તો માનવતના ચાર કલાકથી વધુ કામ ન લેતા સમયમાં ફેરફાર કરી ૧૦.૦૦ થી ૨.૦૦ કલાક કરવામાં આવે .

  • બાળકોને નાસ્તો આપવા માટે તથા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ દ્વારા પોષણ આપવા માટે ફૂટબીલ નો તમામ ખર્ચ હાલ વર્કરના ફરજમાં જતો હોય જે તાત્કાલિક દૂર કરી સરકાર દ્વારા જે તે વિગતનું બિલ એડવાન્સ ચૂકવવામાં આવે જેવા કે ગરમ નાસ્તાનુ , ગેસ રીફીલ , દરામણ , ફુટ બિલ વિગેરે આપવામાં આવે .

  • મીની આંગણવાડી ને રેગ્યુલર તરીકે સમાવવામાં આવે જેથી ફરજ નિભાવવામાં સરળતા પડે.

  • આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોને સ્થાનિક વિસ્તારમાં ફેરબદલીનો લાભ આપવામાં આવે.

  • બહેનોને પોતાના સ્થાનિક ધોરણે પડતી તકલીફો સાંભળવા માટે અગાઉ મુજબ ગ્રી્વીન્સ સમિતિની રચના કરવામાં આવે જેથી જીલ્લા સ્તરે નિવારણ લાવી શકાય અને રાજ્ય સ્તરે દર ત્રણ મહિને સાંભળવામાં આવે તેવી વ્યવસ્થા.