યુદ્ધ અને આતંકવાદની સૌથી માઠી અસર બાળકો અને મહિલાઓ પર થાય છે: હિંસા પર આધારિત ફિલ્મને સંજય દત્ત પ્રસ્તુત કરી રહ્યા છે

જામનગર મોર્નિંગ - (29-09-2022)


અહિંસાના પૂજારી મોહનદાસ કરમચંદ ગાંધી જેમને દુનિયા ગાંધીજીના નામે ઓળખે છે તેમનો જન્મ દિવસ બીજી ઓક્ટોબરે આવી રહ્યો છે. અહિંસામાં કેટલી તાકાત હોય છે એ તેમણે અહિંસક લડત દ્વારા ભારતને આઝાદી અપાવી પુરવાર કર્યું છે. છતાં વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ થતાં હોય છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. અત્યારે પણ યુક્રેન-રશિયા, આર્મેનિયા-અઝરબૈઝાન, ચીન-તાઇવાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે કે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. અને બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી માઠી અસર એ દેશની મહિલાઓ અને બાળકો પર થાય છે.

આ વાત ગુજરાતમાં જન્મેલા અને અમેરિકામાં ઉછરેલા જય પટેલે અભિષેક દુધૈયાનો સાથ લઈ તેમની હૃદયસ્પર્શી શોર્ટ ફિલ્મ આઈ એમ ગોના ટેલ ગૉડ એવરીથિંગ દ્વારા દર્શકોને અહિંસાનો મહિમા જણાવવાનો પ્રયાસ કર્યો છે.


આતંકવાદ અને યુદ્ધના માહોલ વચ્ચે જય પટેલ અને અભિષેક દુધૈયાની ફિલ્મ આઈ એમ ગોના ટેલ ગૉડ એવરીથિંગના કથાનકની સાથે ફિલ્મ એટલી પસંદ પડી કે સંજય દત્ત ફિલ્મને પ્રસ્તુત કરી રહ્યા છે.

ફિલ્મ અંગે જણાવતા જય પટેલ કહે છે કે, જાણીતાં લેખિકા કેથરિન કિંગ તેમના અમેરિકા સ્થિત ઘરે આવ્યા હતાં ત્યારે સિરિયામાં ચાલી રહેલા યુદ્ધ સમયની એક સત્ય ઘટના વિશે જણાવ્યું. એ વાત સાંભળી હું હચમચી ઊઠ્યો. એ જ ક્ષણે મેં આ કથાનક પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે ફિલ્મ જેવું બીજું કોઈ માધ્યમ નથી. એટલે મેં અભિષેક દુધૈયા સાથે આઈ એમ ગોના ટેલ ગૉડ એવરીથિંગ’ નામની શોર્ટ ફિલ્મ બનાવવા અંગે વાત કરી. અભિષેક દુધૈયાએ પણ જય પટેલનો આઇડિયા ગ્લોબલ લાગ્યો એટલે જય પટેલને જણાવ્યું કે  વાર્તા ઘણી સરસ છે અને આ મેસેજ આપણે દુનિયા સુધી પહોંચાડવા આ પ્રોજેક્ટ પર આગળ વધવું જોઇએ. જય પટેલે અને અભિષેક દુધૈયાએ ફિલ્મની કથા કેથરિન કિંગ પાસે લખાવડાવ્યા બાદ ફિલ્મ માટે હૉલિવુડના કલાકારોની પસંદગી કરી.

બાવીસ મિનિટની ફિલ્મ આઈ એમ ગોના ટેલ ગૉડ એવરીથિંગ અંગે જણાવતા જય પટેલ કહે છે કે, ફિલ્મની પૃષ્ઠભૂમિ સિરિયાના અલેપ્પોમાં ચાલી રહેલા યુદ્ધની છે તો વાર્તાના કેન્દ્રમાં છે યુસુફ નામનું બાળક.


સિરિયામાં રહેતો યુસુફ જ્યારે કીડીઓને મારતો હોય છે ત્યારે મા એને કહે છે, તારે કીડીઓને નુકસાન પહોંચાડવું જોઇએ નહીં, કીડીઓ ઉપર જશે તો ભગવાનને તું હેરાન કરતો હતો એ પણ કહેશે. આ વાત યુસુફના મનમાં ઘર કરી ગઈ.

આઈ એમ ગોના ટેલ ગૉડ એવરીથિંગના કથાનક અંગે લેખિકા કેથરિન કિંગ કહે છે કે, લોકો તેમના અંગત સ્વાર્થ માટે આતંકવાદની સાથે હિંસાને પ્રોત્સાહન આપે છે અને એમાં કારણ વગર બાળકો ભોગ બને છે. યુસુફ આતંકવાદનો ભોગ બનેલા બાળકોનું પ્રતિક છે.


પિતાને આતંકવાદીઓ ધમકાવતા, મારતા અને ઘાયલ થતા યુસુફે જોયા હતા. આમ છતાં એના પિતા સિરિયાની વાસ્તવિકતા દુનિયા સમક્ષ રજૂ કરવાના ધર્મયુદ્ધને ચલાવતા રહે છે. જોકે એક ગોઝારી સાંજે યુસુફ એના રૂમમાં સૂતો હતો ત્યારે આતંકવાદીઓ એના પિતાની, માતાની હત્યા કરે છે. યુસુફ આતંકવાદીઓની ગોળીઓથી બચી તો જાય છે પણ વાત અહીં પૂરી થતી નથી. આતંકવાદીઓ ઘરને સળગાવી દે છે જેમાં યુસુફ ગંભીર રીતે દાઝી જાય છે. જોકે એની સાત વરસની બહેન સામિયા બચી જાય છે. યુસુફને અમેરિકન ચેરિટી હોસ્પિટલ લઈ જવાય છે. જ્યાં યુસુફ માતા-પિતાની હત્યા કોણે કરી છે એ જણાવે છે. એ સાથે એ કહે છે, હું ભગવાનને બધું જ કહીશ... એ સાથે યુસુફ અંતિમ શ્વાસ લે છે. અહીં ફિલ્મ પૂરી તો થાય છે પણ દરેકને વિચારતા કરી મુકે છે કે યુદ્ધ-આતંકવાદનો હવે અંત આવવો જ જોઇએ.

ફિલ્મમાં યુસુફની ભૂમિકા અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વિવાન બિસોઈએ ભજવી છે. વિવાનનો ભાવવાહી અભિનય દર્શકોનું હૈયું હચમચાવી જશે. તો યુસુફના પિતા અનીસની ભૂમિકા વિવિધ ભાષાના જાણકાર અભિનેતા એસ્સમ ફેરિસે ભજવી છે. જ્યારે યુસુફની સાત વર્ષની સગી બહેન સામિયાએ જ ફિલ્મમાં નૂરની ભૂમિકા ભજવી છે. આતંકવાદી મુખિયા બન્યો છે આર્મેનિયન-અમેરિકન અભિનેતા રોમન મિચિયાન. મજાની વાત એ છે કે ફિલ્મની લેખિકા કેથરિન કિંગે મિલનસાર ડૉક્ટર એલિસાની ભૂમિકા ભજવી છે તો ડૉ. મિતુલ ત્રિવેદીનું પાત્ર ભજવ્યુ છે નિર્માતા જય પટેલે.

આખી દુનિયા આતંકવાદને ખતમ કરવા લડી રહી છે ત્યારે અભિષેક દુધૈયાનું દૃઢપણે માનવું છે કે આતંકવાદને ખતમ કરવા માટે ફિલ્મ પણ એક કારગર માધ્યમ બની શકે છે.

 આઈ એમ ગોના ટેલ ગૉડ એવરીથિંગને નોર્વે ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. તો ગોવામાં આયોજિત પચાસમા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં હતું.