જામનગર મોર્નિંગ - 27-09-2022

PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) ફરી એક વાર ચર્ચાનું કારણ બન્યું છે. NIA દ્વારા દિલ્હી સહિત 11 રાજ્યોમાં PFI ના સ્થાનો પર છાપોમારી કરી છે અને આ પ્રકરણે 100 કરતાં વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે NIA દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનને અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. આ દરોડા પીએફઆઈની ટેરર ​​ફંડિંગ, ટ્રેનિંગ કેમ્પનું આયોજન અને લોકોને ઉગ્રવાદી બનાવવાના કારણે કરવામાં આવ્યા છે. દરોડા અંગે, પીએફઆઈએ કહ્યું, ‘વિરોધના અવાજોને શાંત કરવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવા માટે ફાસીવાદી શાસન દ્વારા લેવામાં આવેલા પગલાંનો અમે સખત વિરોધ કરીએ છીએ.

PFI વિશે જાણવા જેવું

PFI ની સ્થાપના 2007 માં દક્ષિણ ભારતમાં ત્રણ મુસ્લિમ સંગઠનો, કેરળમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુમાં મનિથા નીતિ પાસરાઈના વિલીનીકરણ દ્વારા કરવામાં આવી હતી. હકીકતમાં, નવેમ્બર 2006માં કેરળના કોઝિકોડમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણેય સંગઠનોને સાથે લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએફઆઈની રચનાની ઔપચારિક જાહેરાત 16 ફેબ્રુઆરી, 2007ના રોજ બેંગલુરુમાં એક રેલીમાં ‘એમ્પાવર ઈન્ડિયા કોન્ફરન્સ’ દરમિયાન કરવામાં આવી હતી.


સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પર પ્રતિબંધ પછી ઉભરી આવેલી PFI એ પોતાને લઘુમતીઓ, દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારો માટે લડતી સંસ્થા તરીકે રજૂ કરી છે. કર્ણાટકમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસની કથિત જનવિરોધી નીતિઓ માટે તેણે વારંવાર આ પક્ષોને નિશાન બનાવ્યા છે. અત્રે નોંધનીય છે કે આ મુખ્યધારાના પક્ષો ચૂંટણી સમયે મુસ્લિમોનું સમર્થન મેળવવા માટે પીએફઆઈ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવે છે. PFI તેના સભ્યોનો રેકોર્ડ રાખતું નથી અને તેથી જ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે આ સંગઠન સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કર્યા પછી પણ ગુનાઓને રોકવા મુશ્કેલ બની જાય છે.

2017માં વિવાદાસ્પદ હાદિયા કેસને ધ્યાનમાં રાખીને, NIA દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે PFIએ ઇસ્લામ ધર્મ અપનાવવાનું કામ કર્યું હતું. જોકે, 2018 માં NIAએ સ્વીકાર્યું કે ધર્મ પરિવર્તન માટે કોઈ બળજબરી કરવામાં આવી નથી.

NIA એ મે 2019 માં PFI ની ઘણી ઓફિસો પર દરોડા પાડ્યા ત્યારે ઈસ્ટર બોમ્બ ધડાકાના માસ્ટરમાઇન્ડની કડીઓ પીએફઆઈ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, આ બોમ્બ વિસ્ફોટમાં 250થી વધુ લોકોના મોત થયા હતા.

મેંગલુરુ પોલીસે દાવો કર્યો હતો કે ડિસેમ્બરમાં PFI અને SDPIના સભ્યોએ CAA-NRC પ્રદર્શન દરમિયાન હિંસા ભડકાવી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. PFI અને SDPI ના કુલ 21 થી વધુ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.

હાથરસમાં કથિત સામૂહિક બળાત્કાર અને હત્યા પછી, યુપી પોલીસે PFI સામે રાજદ્રોહ, ધાર્મિક દ્વેષને પ્રોત્સાહન આપવા અને અન્ય કેસ માટે ઓછામાં ઓછા 19 કેસ નોંધ્યા છે. પત્રકાર સિદ્દીકી કપ્પનની પીએફઆઈ સાથેના કથિત સંબંધો બદલ ધરપકડ કરવામાં આવી હતી.

NIA અધિકારીઓએ જુલાઈ 2020 માં PFI અને સોનાની દાણચોરીના રેકેટ વચ્ચેના સંબંધોની તપાસ કરી. NIAના સૂત્રોએ જણાવ્યું હતું કે PFI દ્વારા આ સોનાનો ઉપયોગ દેશવિરોધી આતંકવાદી ગતિવિધિઓને ભંડોળ આપવા માટે થઈ શકે છે.