ભરત હુણ - મોર્નિંગ Exclusive

જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૪ : ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા ૭-૮ મહિનાથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં પુર જોશમાં પ્રચાર શરુ કર્યો હતો અને એ પ્રચાર અને સતત ગુજરાત મુલાકાતના પગલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી એક માહોલ અને હવા પણ બની હતી પણ વીતેલા થોડા દિવસોથી ગુજરાતમાં અમ આદમી પાર્ટીનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે.

 


ગુજરાત વિધાનસભામાં ના લાંબા ઇતિહાસમાં ત્રીજી પાર્ટી મોટા પરિણામ લાવી શકી નથી તેવી કહેવત અને પુરાવો સામે છે છતાં પણ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જેવી રીતે એન્ટ્રી થઇ તે જોતા લાગતું કે આ ઈતિહાસને ભૂંસીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફાવી જશે. ૨-૪ મહિનામાં ગુજરાતમાં મોટો પ્રભાવ ઉભો કરી લીધો પણ વિધાનસભા ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીનો જાદુ ગુજરાતમાં ઓસરતો જતો હોય એમ દેખાઈ છે જેના કારણો આમ આદમી પાર્ટીએ સોસીયલ મેડિયા પર જોર પકડ્યું પણ તે કેમ્પેઈનને તેમના કાર્યકરો બુથ સુધી છેવાડાના વિસ્તાર સુધી પહોચાડવામાં કાચા પડી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં સુધી કોઈ રાજકીય પક્ષની બુથ સુધી પકડ ના હોય ત્યાં સુધી પરિણામ મેળવી શકતા નથી. અને બીજી નબળાઈ સૌથી મોટી છે ઉમેદવાર પસંદગી કરવામાં કેજરીવાલ અને તેની ટીમ માર ખાઈ ગઈ હોય એવું લાગે છે મોટા ભાગના ઉમેદવારો પોતાની સીટ પર પ્રભુત્વ ધરાવતા નથી પુરતી ઓળખાણ પણ ધરાવતા નથી. નામ ફાઈનલ થયા બાદ પણ પોતાના વિસ્તારમાં ખાસ ઉકાળી શક્યા નથી ત્યારે આ જોતા લાગે છે કે અરવિંદ કેજરીવાલ એન્ટ્રી સમયે જેવો ચમત્કાર કર્યો હતો એવો ચુંટણી સમયે કઈક નવીન કરીને પરિણામ બદલે તો ભલે બાકી સામાન્ય રીતે તેમની પાર્ટીનો પ્રભાવ ગુજરાતમાં ઘટી રહ્યો છે.