ભાજપમાં સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો

જામનગર મોર્નિંગ - ડભોઈ


વડોદરા જિલ્લાના ડભોઇ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ભાજપી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (બાલુ ઢોલાર)એ  આખરે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. ભાજપમાં સતત થતી અવગણના પગલે છેલ્લા કેટલાક સમયથી બાલુ ઢોલાર હાંસિયામાં ધકેલાયેલા રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલની હાજરીમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ નેતા બાલકૃષ્ણ પટેલને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ ‘ભારત જોડો’ અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપમાં જિલ્લા પ્રમુખ તરીકે કાર્ય કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપને વિજયી બનાવી હતી. ડભોઇના ધારાસભ્ય તરીકે પણ સેવાઓ આપી હતી. ભાજપમાં પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઇ રહી છે. ગુજરાતના ખેડૂતોને પણ ખૂબ અન્યાય થઇ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. તેથી હું સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયો છું.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ડભોઇ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય શૈલેષ  મહેતાનો વિજય થયો હતો. શૈલેષ મહેતા (સોટ્ટા) વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં કાઉન્સિલર હતા, પૂર્વ ડે, મેયર પણ હતા. ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જતાં ભાજપને કોઈ ફરક નહિ પડે. બાલકૃષ્ણ ઢોલાર ભાજપમાં હતા જ નહિ, એમને તો ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. તેમના કોંગ્રેસમાં જવાથી ભાજપને ફાયદો થશે તે નિશ્ચિત છે.