• ફેરી બોટ સેવા અને સુદામા સેતુ પર નિયમોનું પાલન થાય તે તંત્રે તકેદારી રાખવી જોઈએ.

જામનગર મોર્નિંગ – દ્વારકા તા.૩૧ : ગઈકાલે સાંજના સમયે મોરબીના મચ્છુ નદી પર આવેલ ઝુલતા પુલની જે ગોઝારી દુર્ઘટના ઘટી તેણે ફક્ત મોરબી જ નહિ પણ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે અનેક લોકોની ચિત્કારીઓ એ ગુજરાતીઓના કાળજા કોતરી નાખ્યા છે અને લોકો માંથી ફિટકાર વરસી રહ્યો છે કે તંત્ર અને સંચાલક સંચાલનમાં ઉણા ઉતર્યા છે જેથી આવી દુર્ઘટના બની છે.

મોરબીમાં જે દુર્ઘટના બની તે પુલ પર ક્ષમતા થી વધુ લોકો જવાના કારણે બની એવું પ્રાથમિક રીતે માની શકાય ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ આવી જગ્યાઓ છે જ્યાં આગોતરી કાળજી રાખવી જરૂરી છે દ્વારકાના સુદામા સેતુ અને ફેરી બોટ સેવામાં ક્ષમતા કરતા વધારે લોકો ભરવામાં આવે છે.

દ્વારકાથી ૨૦-૨૫ કિમી દુર આવેલ બેટ દ્વારકા જવા માટે ઓખા થી ફેરી બોટ સેવાનો સહારો લેવો પડે છે તહેવારોના દિવસોમાં હજારો અને ક્યારેક લાખોની સંખ્યામાં શ્રધાળુઓ દ્વારકા દર્શન કરવા આવતા હોય છે દ્વારકાથી દર્શન કરીને અનેક લોકો બેટ દ્વારકા ફેરી બોટ માં બેસીને જતા હોય છે ત્યારે આ ફેરી બોટમાં ક્ષમતા કરતા અનેક ગણા એટલે કે ૨ થી ૪ ગણા લોકો ભરવામાં આવે છે. ફેરી બોટનું મેનેજમેન્ટ કરવાની જવાબદારી ગુજરાત મેરીટાઈમ બોર્ડની છે છતાં તેઓ ઓવરલોડેડ ચાલતી ફેરી બોટ સેવાને નજર અંદાજ કરી રહ્યા છે.


આ સિવાય સુદામા સેતુ જે પણ કેબલ બ્રીજ ટાઈપનો સેતુ દ્વારકાધીશ મંદિર પાસે ગોમતી નદી પાર કરવા માટે બનાવવામાં આવેલ છે જેનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે એમાં પણ તહેવારોના દિવસોમાં ક્ષમતા કરતા વધુ લોકો જતા હોય છે ત્યારે વહીવટી તંત્ર એ સુદામા સેતુ અને ઓખા થી બેટ ચાલતી ફેરી બોટ સેવામાં સારી રીતે નિયમોનું પાલન થાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તેની પુરતી તકેદારી સાથે આ સેવા ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.