જામનગર મોર્નિંગ દૈનિક ન્યુઝ પેપર આજથી બરાબર ૬ વર્ષ પહેલા એટલે તારીખ ૧૪/૧૨/૨૦૧૬ના રોજ જામનગર ખાતેથી અમો ત્રણ વ્યક્તિની ટીમ જેમાં ભરત હુણ, પાર્થ નથવાણી અને સ્વ.રાજ પાબારી દ્વારા શરુ કરાયું હતું. શરૂઆતના સમય ગાળા દરમિયાન અમારી ત્રણેયની ઉમર ક્રમશ ૧૮ થી ૨૩ વર્ષની અંદરની હતી એટલે અમારી પાસે અનુભવ કરતા ઉમંગ,ઉત્સાહ,જુસ્સો જનુન અને કાંઇક નવું કરવાની ધગશ હતી શરૂઆતના દિવસોથી લઈને હાલ સુધી અમે જુજ સ્ટાફ સાથે રાત દિવસ એક કર્યા કહેવાય એ રીતે કામ કર્યું છે. અનેક મુશ્કેલી વિટંબણા સામે લડવા માટેનો અમે સંઘર્ષ કર્યો છે.  શરૂઆતના દિવસોમાં અમારા ત્રણેય માંથી સૌથી વધુ ઉત્સાહી એવા સ્વ.રાજ પાબારીને અમે નાની વયે અધુરી સફરએ  ટુકી બીમારી સબબ ખોયો છે એ દુખ કાયમી સતાવશે.

જામનગર મોર્નિંગ ૨૦૧૬ થી લઈને ૨૦૨૨ સુધીના ૬ વર્ષના સમયમાં સતત સ્ટ્રગલ અને અનુભવ કરતુ આવ્યું છે. આગવી શૈલી અને સતત મથતા રહેવાના કારણે અમે સમાચારોમાં ઘણી વખત ટોચ પર તો અનેક વખત પાછળ પણ રહ્યા છે. જામનગર મોર્નિંગએ ઉઠાવેલ મુદ્દા માંથી ઘણા મુદ્દાનું સફળ સમાધાન થઇ શક્યું છે અમે સાચા ને સાચું અને ખૂટતું ત્યાં સત્તાધીસો અને તંત્રને ટકોર કરતા આવ્યા છે જ્યાં જેવું હતું એવું ડંકાની ચોટ પર કહ્યું છે. ૬ વર્ષના સમયગાળા માં અમે અનેક વખત પાનખર જોઈ છે ક્યારેક તો સતત થાકી, હારી,  કંટાળી અને બેસી જવાનું મન થાય એવા સમયે પણ અમે બેસવાને બદલે ધીમી પણ મક્કમ ગતિએ ચાલવાનું પસંદ કર્યું છે.

૨૦૧૬ થી ૨૦૨૨ સુધીના આ અડધા દશકાથી વધારે સમયમાં “ જામનગર મોર્નિંગ “ હાલારની જનતાના હર્દયમાં વસ્યું છે છેવાડાના વિસ્તારની માળખાગત સુવિધાઓથી લઈને શ્રીમંતો ની સોસાયટી સુધી ખૂટતા કામો અંગે ટકોર કરી છે તો જ્યાં જ્યાં વિકાસના કામો થયા તેને વધાવ્યા છે અમારા કામ ધગસ અને ઉત્સાહી શૈલીને વાચકોએ વધાવી છે તો વિજ્ઞાપન દાતાઓ એ ખુબ સહકાર આપ્યો છે જેના પરિણામે અમે આજે સફળતા પૂર્વક ૬ વર્ષ પૂર્ણ કરી શક્યા છીએ. આ ૬ વર્ષની સફળતાનો શ્રેય અમારી ટીમના સ્થાપક તંત્રી ભરત હુણ, તંત્રી અને પ્રકાશક પાર્થ નથવાણી,  જયેશ દેવાંગડા, રાકેશ ચુડાસમા, ચિરાગ કોઠારી, કૌમિલ મણીયાર અને ઈલાયત જુણેજા, તેમજ દરેક તાલુકા મથકના અમારા રિપોર્ટરને સહર્ષ આપીએ છીએ આ ટીમ વિના અમે અધૂરા છીએ.

૬ વર્ષ પૂર્ણ કરીને આજે અમે ૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે હાલારની જનતાને વચન આપીએ છીએ કે અમે પત્રકારત્વ ધર્મ સારી રીતે નિભાવીશું સાચાને સાચું અને ખોટા ને ખોટું કોઈ ની પણ શેહ સરમ રાખ્યા વિના ડંકાની ચોટ પર કહીશું ગયા વર્ષોમાં અમને સહકાર મળતો રહ્યો એવો જ આવનારા સમયમાં મળતો રહે હાલારની જનતાના પ્રેમ અને સહકારના અમે કાયમી ઋણી રહીશું વસંત અને પાનખર ચાલ્યા કરશે સાથે જ અમારી સફર પણ ચાલ્યા કરશે હાલારની સવાર “જામનગર મોર્નિંગ” સાથે થશે એની અમે ખાતરી આપીએ છીએ. સફળતાના આ ૬ વર્ષનો શ્રેય અમારી ટીમ,વાચકો વિજ્ઞાપન દાતા અને હાલારની જનતાને આપીએ છીએ.