હવે પોલીસ નહીં, પણ ગુનેગારો યુવાનોના હીરો હોય છે!! 

જામનગર મોર્નિંગ - જામનગર


આજે આપણે હર રોજ અખબારોમાં વાંચતા હોઈએ છીએ કે નાની બાબતોમાં બોલાચાલી બાદમાં હત્યા નિપજાવી, સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીએ બળાત્કાર કર્યો, દિલ્હીમાં આફતાબએ કરેલી હત્યાથી પ્રેરાઈ લીવ ઈનમાં રહેતા યુવાને પણ હત્યા કરી, લાશના કટકા કરવાનો હતો પણ તે પહેલાં ઝડપાઈ ગયો અને કબુલાત કરી હતી. નાની નાની બાબતોમાં યુવાનો ગુનાઓને અંજામ આપતા થઈ રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે પોલીસ નહીં પણ ગુનેગારો યુવાનોના હીરો થતાં જાય છે.

આજે જ્યારથી વેબ સિરીઝનો ક્રેઝ વધ્યો છે ત્યારથી યુવાનોમાં ગુનાઓ કરવાની હરકત તેમાંથી પ્રેરાઈ કરતા હોય તેવી થઈ રહી છે, પહેલાં પોલીસને દૂરથી આવતા જોઈને પણ યુવાનવર્ગ ગુનેગાર ના હોય તો પણ ત્યાંથી દૂર જતો રહેતો અને પોલીસને હીરોની નજરથી જોતો. પણ આજના સમયમાં સાવ ઊંધું દ્રશ્ય જોવા મળે છે યુવાવર્ગને ગુનેગારો પોતાના હીરો માને છે. અને પોતાની ગેંગ બનાવી, પોતાના ચોકમાં, લતામાં લોકોને પરેશાન કરવા અને કોઈપણ જાતની શરમ વગર ગુનાઓને અંજામ આપવો.

પણ ગુનાઓ વધતા પોલીસ પણ વધુ સતર્ક બની ગઈ છે અને તે પણ પોતાની આગવી શૈલીથી ગુનેગારોને કાયદાનું ભાન કરાવે છે, પણ અમે આજના યુવાનોને એ કહેવા માંગીએ છીએ કે આ લાઈફ સ્ટાઈલ તમે જ્યાંથી જોઈને શીખો છે તેનો એન્ડ પણ તમે જુઓ છો પણ એન્ડ કોઈ યાદ નઈ રાખતું અને એક અલગ અંદાજમાં જીવવું પસંદ કરો છે, મનોરંજન માટે બનેલી વસ્તુનું ખાલી મનોરંજન માણવું જોઈએ કેમ કે તેમાં અભિનય કરનાર પણ પોતાના રોજીંદા જીવનમાં પોલીસનું માન અને કાયદાનું સન્માન કરતો હોય છે.


આજે યુવાનોને નાની નાની વાતો માં હત્યા સુધી પહોંચી જવું, બે ત્રણ લુખ્ખા તત્વો સાથે રાખી પોતાનો રુઆબ દેખાડવો, જાહેર માર્ગો પર સ્ટંટ કરી સીનસપાટા કરવા, મહિલાઓ - છોકરીઓની છેડતી કરવી, હાલતાં ચાલતાં લોકો પાસેથી લૂંટ ચલાવી, દારૂનો નશો કરવો અને હવે તો ગુજરાતના મેગા સીટીમાં ડ્રગ્સનો ધંધો અને ડ્રગ્સ લેનારાઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સમાજમાં આ બધી વસ્તુઓ કરવાથી યુવાનોને એવું લાગતું હોય છે કે અમે હીરો છીએ પણ તમારી બે ઘડીની મજા તમારા અને તમારા પરિવારને જીવન ભરની સજા બની જાય છે.

માટે પોલીસ અને કાયદાનું માન જાળવી જે ગુનાઓ કરતા હોય તેને પણ પોલીસને હવાલે કરી આપો અને ગુનેગારોને પોતાના હીરો બનાવવા કરતા ગુજરાતમાં ઘણાં સારા ઓફિસરો છે તેવા ઓફિસરોને પોતાના હીરો બનાવો.

બાળકો દ્વારા કરવામાં આવતા વર્તનનું સંશોધન કરનારા વિદ્વાનોએ બાળ અપરાધ પાછળ ભાગ ભજવતાં પરિબળોને બે વિભાગોમાં બતાવ્યા છે :

1. વ્યક્તિગત પરિબળો

ઘણી વખત વધુ પડતી અજ્ઞાંકિતતા, વિદ્રોહી વલણ, વિરોધવૃત્તિ, મનસ્વીપણુ, સંયુક્ત વર્તન કરવાનું વલણ, અસલામતીની લાગણી, ડરપોકપણુ, આત્મનિયંત્રણનો અભાવ, સંવેદનાત્મક સંઘર્ષ, લઘુતાગ્રંથિ વગેરે બાળકમાં વ્યક્તિત્વના લક્ષણો બાળકને અપરાધી વર્તન કરવા પ્રેરે છે.

2. પરિસ્થિતિજન્ય પરિબળો 

પરિસ્થિતિજન્ય પરિબળોમાં બાળકની આજુબાજુની પરિસ્થિતિનો સમાવેશ થાય છે, જેમાં કુટુંબ, મિત્રો, શાળા, ચલચિત્રો અને કામકાજના સંજોગો મુખ્ય છે.

કુટુંબ 

જ્યાં માતાપિતા બંને હયાત હોય, કુટુંબની દરેક વ્યક્તિ તેને હિસ્સે આવતું કાર્ય બરોબર કરતી હોય, કુટુંબની આર્થિક સ્થિતિ સારી હોય, કુટુંબ નીતિમત્તાનાં ધોરણોનું પાલન કરતું હોય તે કુટુંબને સ્વસ્થ અથવા સમતોલ કુટુંબ કહેવાય. સમતોલ કુટુંબનાં આ લક્ષણોમાંથી એકાદ લક્ષણની ખામી ઊભી થાય તો કુટુંબનુ સમતોલપણુ અસ્થિર બને છે અને સમસ્યા પેદા થાય છે, જે બાળકોને અપરાધી વર્તન કરવા તરફ દોડી જાય છે. જ્યાં માતાપિતા એક બીજાથી અલગ રહેતાં હોય કે છૂટાછેડા લીધેલાં હોય અથવા બેમાંથી એકનું મૃત્યુ થયું હોય એવા ભગ્ન કુટુંબમાં બાળકને પૂરતા પ્રમાણમાં પ્રેમ, હૂંફ, લાગણી, સલામતી વગેરે પ્રાપ્ત થઈ શકતા નથી. તેને સંયમ શિસ્તનુ મળતું નથી. આમ, યોગ્ય સમાજિકરણ વિના બાળક વીચલનના માર્ગે વળે છે, સમાજિકરણ ઘરના તંદુરસ્ત વાતાવરણ પર આધાર રાખે છે. પરંતુ કુટુંબનું વાતાવરણ કે સંજોગો જ વિષમ હોય, ઘરમાં પતિ - પત્ની વચ્ચે રોજ કજિયા - કંકાસ થતાં હોય, માતા કે પિતા અસ્થિર મગજવાળા - વ્યસની કે દુરાચારી હોય, એ પ્રકારના સંજોગોમાં બાળકો તંગ મનોદશા અનુભવે છે. તેથી તેઓ ઘર છોડીને ભાગી જતાં હોય છે. ઘરબહારની દુનિયામાં ભરણપોષણનો પ્રશ્ન ઉભો થાય છે. આ વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા બાળકો ગુનાહિત પ્રવૃતિ તરફ વળે છે.

મિત્રો 

બાળક પર મિત્રોની સીધી અસર થાય છે. બાળકની વીચલનની વર્તણુક માટે તેના ખરાબ મિત્રોની સોબત પણ જવાબદાર હોય છે. ખામીભર્યા સમાજિકરણના સંજોગોમાં કોઈ ખરાબ આદતોવાળા દુર્ગુણી મિત્રની સોબત થઈ જાય તો બાળક સામાજિક ધોરણોથી વિરુદ્ધનું વર્તન શીખે છે.

શાળા

શાળામાં શિસ્તનો અતિરેક થતો હોય, બાળકને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોય, બાળકને શારીરિક સજાના ભોગ બનવું પડતું હોય, આવા સંજોગોમાં બાળક શાળામાંથી પલાયન થઈ જવાનું અપરાધી વર્તન કરે છે.

મનોરંજન

વર્તમાનપત્રો, ટેલિવિઝન, ફિલ્મો અને હવે વેબ સિરિઝો સંચારના માધ્યમો બાળકો તથા યુવાનોને ચોરી કરવાની, લૂંટ કરવાની, છેતરપિંડી કરવાની, હથિયાર વાપરવાની, ગેંગ બનાવી, બળાત્કાર, હત્યા અને અપહરણ જેવી રીતો શીખવે છે.

સંજોગો

ઘરની ગરીબીની કારણે બાળકને નોકરી કરવી પડતી હોય અને નોકરીમાં કામકાજના સંજોગો એવા હોય કે કામકાજ કરવામાં ભૂલ થાય તો શેઠ તરફથી સખત શારીરિક સજાનો કે મારપીટનો ડર રહ્યા કરતો હોય છે. આ પરિસ્થિતિ બાળક જુઠ્ઠુ બોલવાની, છેતરપિંડી કરવાની કે ભાગી જવાની અને નોકરીની જગ્યાએ ચોરી કરવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે. ગંદા વસવાટના પડોશમાં રહીને કામકાજ કરવાનું હોય ત્યારે બાળકને અપરાધી પ્રવૃતિઓ તરફ વાળવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવે છે.


આમ બાળક કે યુવાન જન્મથી અપરાધી હોતું નથી, પરંતુ વ્યક્તિજન્ય અને પરિસ્થિતિજન્ય પરિબળો એકબીજા સાથે જટીલ રીતે ગૂંથાઈને બાળઅપરાધ માટે જવાબદાર બને છે.

સમાજમાં એક વખત નીરખીને જોઈએ તો આજે ગુનેગારો લોકો બાળક તથા યુવાનોના હીરો હોય છે અને પોલીસનો ડર જાણે હોતો જ નથી તેવી રીતે વર્તન કરે છે, ફિલ્મોમાંથી શીખી ચાલતી જિંદગીમાં ફિલ્મો જેવા અખતરા કરવાનું વધારે પસંદ કરે છે પણ ફિલ્મોનો અંત કોઈ યાદ નહીં રાખતું અને પોતાની ચાલતી જિંદગીને પણ જેલની પાછળ ધકેલી આપે છે.

તંત્રી : પાર્થ નથવાણી