જામનગર મોર્નિંગ - ગુજરાત 

ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર મહત્વનો નિર્ણય લઈ રહી છે. રાજ્યની સરકાર આગામી દિવસોમાં ગુજરાત પોલીસ ખાતામાં મોટા પ્રમાણમાં બદલી કરવાનો આદેશ આપશે.રાજ્યના પોલીસબેડામાં આ મામલે બહોળા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપીના પ્રમોશન અપાશે. આ માટે ૧૨૦ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની યાદી કરીને તેમની વિગતો મંગાવવામાં આવી છે.

રાજ્યના ગૃહવિભાગની સુચનાથી પોલીસના વહીવટી વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપીના પ્રમોશન આપવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત ૧૨૦ પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી તૈયાર કરીને જે તે જિલ્લા અને પોલીસ વિભાગના વડાઓને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ વિગતો આપવા માટે સુચના આપી છે.

જેમાં પીઆઇ તરીકેની પોસ્ટ મળ્યાની તારીખ,સીસીસીની પરીક્ષા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, તેમની સામે ચાલતી ખાતાકીય કે કોર્ટની કાર્યવાહી, ભુતકાળમાં લેવામાં આવેલા કોઇ શિક્ષાત્મક પગલાની વિગતો એકત્ર કરવા માટે સુચના આપવામાં આવી છે. સાથે સાથે તમામ પંસંદગી થયેલા પીઆઇને સેલ્ફ ડીક્લેરેશન આપવાનું પણ કહેવાયું છે. જે તમામ પ્રક્રિયા સાત દિવસમાં પૂર્ણ થયા બાદ મેરિટ તૈયાર કરીને એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરાશે.