જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં આજે સવારે બેડેશ્વર વિસ્તારમાં આજે સવારે સફાઈ કામ દરમિયાન એક સફાઈ કામદાર પર પથ્થરમારો કરાતાં ભારે દેકારો બોલી ગયો હતો. જેને લઈને સફાઈ કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને 40 જેટલા સફાઈ કામદારો વીજળીક હડતાળ પર ઉતર્યા હતા. ઈજાગ્રસ્ત સફાઈ કામદારને જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જયારે પોલીસ તંત્ર દોડતું થયું હતું. 

મળતી વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો મુકેશ રાઠોડ નામનો સફાઈ કામદાર આજે સવારે બેડેશ્વર વિસ્તારમાં સફાઈ કામ કરી રહ્યો હતો, જે દરમિયાન સ્થાનિક રહેવાસીએ સફાઈના મુદ્દે તેના પર પથ્થરમારો કર્યો હતો, જેથી તે ઈજાગ્રસ્ત બન્યો હતો. એટલું જ નહીં સફાઈ કામદારને એક ઓરડીમાં લઇ જઈ પુરવાની કોશિશ પણ થઇ હતી, દરમિયાન સફાઈ કામદાર ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને અન્ય કર્મચારીઓને જાણ કરતા વોર્ડ નં. 1ના 40 જેટલા સફાઈ કામદારો એકત્ર થઇ ગયા હતા અને સામુહિક હડતાળ પાડવામાં આવી હતી. તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા અને મહાનગરપાલીકાનું તંત્ર દોડતું થયું છે જેની સાથે પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઇજગ્રસ્ત સફાઈ કામદાર મુકેશ રાઠોડને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી જયારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.