જામનગર મોર્નિંગ - અમદાવાદ:
તા. ૫ ના રોજ રવિવારે સાંજે ૫.૩૦ કલાકે અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં અમેરિકા નિવાસી લેખિકા સુચિ વ્યાસનાં પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમના આરંભે ડૉ. પ્રીતિ શાહ ગુજરાત વિશ્વકોશ અને ગુર્જરી ફાઉન્ડેશન વિશે પ્રાસંગિક વાત કરશે. શ્રીમતી સુષમા દોશી મહેમાનોનું સ્વાગત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકામાં રહેતા સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મધુ રાય, સફળ વાર્તાકા૨ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રાહુલ શુકલ તથા કવિયત્રી ઉષા ઉપાધ્યાય સુચિ વ્યાસનાં સર્જન વિશે વક્તવ્ય આપશે. મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન અભ્યાસી ડૉ. બળવંત જાનીના વરદ હસ્તે પુસ્તકનું લોકાર્પણ થશે. ત્યાર બાદ લેખિકા સૂચિ વ્યાસ પોતાનો પ્રતિભાવ આપશે.અમેરિકામાં દાયકાઓ સુધી ડ્રગ એડિક્ટ દર્દીઓની સેવા કરનાર તથા ગુજરાતથી આવનાર સાહિત્યકારો-કલાકારો માટે હંમેશા પોતાના દરવાજા ખુલ્લાં રાખનાર લેખિકા સુચિ વ્યાસને સાંભળવા એ એક લ્હાવો છે. ગુજરાતી નાટ્યજગત અને ટી.વી. સિરિયલોના સુવિખ્યાત કલાકારો સર્વશ્રી ઉત્કર્ષ મઝુમદાર તથા મીનળ પટેલ ‘આવો આવો...’ પુસ્તકનાં કેટલાંક હૃદયસ્પર્શી રેખાચિત્રોનું વાચિકમ્ કરશે.
કાર્યક્રમનું સંચાલન કવયિત્રી ગોપાલી બુચ કરશે. ગુર્જરી પ્રકાશન, અમેરિકાના પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ આ પ્રસંગે વિડિયો દ્વારા ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે અને રસ ધરાવતા સૌને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.
0 Comments
Post a Comment