અન્ય બે યુવાનો ઘવાયા: કાર ચાલક ફરાર 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા

ખંભાળિયા-પોરબંદર ધોરીમાર્ગ પર બુધવારે રાત્રિના સમયે ખંભાળિયા આવી રહેલા ત્રણ મિત્રો સાથેના મોટરસાયકલને સ્વીફ્ટ મોટરકારના ચાલકે અડફેટે લેતા આ મોટરસાયકલમાં જઈ રહેલા પોરબંદરના એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પોરબંદરના જ બે યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ પોરબંદર ખાતે રહેતા મહમદભાઈ હુસેનભાઈ રજાક નામના 42 વર્ષના યુવાન તેમના બે મિત્રો સાહિલ અબ્દુલભાઈ રૂંજા (ઉ.વ. 25, રહે. પોરબંદર) તથા સાહનવાઝ ફારૂકભાઈ બાબી (ઉ. વ. 36, રહે. પોરબંદર) સાથે બુધવારે રાત્રિના સમયે પોરબંદરથી ખંભાળિયા ખાતે ઉર્ષમાં આવવા માટે તેમના જી.જે. 25 એન. 3108 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળ્યા હતા.

રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે તેઓ ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર લાલુકા ગામના પાટીયા પાસે પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર આવી રહેલા જી.જે. 01 કે.જે. 0998 નંબરના સ્વિફ્ટ મોટરકારના ચાલકે મહમદભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક મહમદભાઈ હુસેનભાઈ રજાકને માથાના ભાગે તેમજ શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા સાહનવાઝ ફારુકભાઈને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે ખંભાળિયાથી અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની સાથે જઈ રહેલા અન્ય યુવાન સાહિલ અબ્દુલભાઈને પણ ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

અકસ્માત સર્જી, આરોપી સ્વીફ્ટ મોટરકાર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સાહિલભાઈ રૂંજા (રહે. પોરબંદર)ની ફરિયાદ પરથી સ્વિફ્ટ મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આરોપી કાર ચાલકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.