જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પોતાની નાદુરસ્ત તબિયતના અનુસંધાને હોદામાંથી રાજીનામું આપ્યા બાદ પાર્ટી દ્વારા જિલ્લાના નવા અધ્યક્ષ તરીકે સક્રિય યુવા કાર્યકર મયુર ગઢવીની નિમણૂક કરવામાં આવી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે છેલ્લા આશરે અઢી વર્ષથી ફરજ બજાવતા પીઢ આગેવાન ખીમભાઈ જોગલની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે ગઈકાલે તેમણે પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલને એક લેખિત પત્ર પાઠવી અને જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાના અનુસંધાને પાર્ટી દ્વારા જિલ્લાની મુખ્ય સમિતિનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સાથે ભાજપના હાઈ કમાન્ડ દ્વારા હાલ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તથા ગઢવી સમાજના અગ્રણી મયુરભાઈ રામભાઈ ગઢવીને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના તત્કાલીન ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણી ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં વધુ બેઠકો પ્રાપ્ત કરવા તથા મહત્વની એવી જિલ્લા પંચાયતને કોંગ્રેસ પાસેથી મેળવી લઈને ભાજપને ફાળે લઈ આવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ ગઢવીના પુત્ર મયુરભાઈ ગઢવીને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવતા જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો વિગેરેએ આવકારી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.
0 Comments
Post a Comment