જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર જિલ્લા રોજગાર કચેરી અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા એચ.જે. દોશી આઈ.ટી. કોલેજ ખાતે કારકિર્દી અને રોજગારલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિતોને અનુબંધમ પોર્ટલ વિષે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ એપ્લીકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી રોજગાર કચેરીની કામગીરી, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક માટે વિવિધ તકો અને રોજગારીની તકો વિષે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સેમીનારના અંતે નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી શિખર રસ્તોગી દ્વારા આભારદર્શન કરીને આવા સેમીનાર દરેક કોલેજમાં થાય અને વિદ્યાર્થીઓને રોજગારીની તકો અને રોજગાર કચેરી વિષે માહિતી તેમજ અનુબંધમ પોર્ટલનો ઉપયોગ થાય એવા ઉદ્દબોધન સાથે સેમીનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સેમીનારમાં ૧૩૬ જેટલા વિધાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પી.પી.ટી. દ્વારા ખુબ જ સહજ અને સરળ રીતે પૂરું પાડવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં એચ.જે. દોશી આઈ.ટી. કોલેજના આચાર્ય અને ડિરેક્ટર ડો. હંસાબેન શેઠ, રોજગાર કચેરીના પ્રેઝન્ટેટર ભાવનાબેન ગામીત, યુટ્યુબ મોટિવેશનલ સ્પીકર જયેશભાઇ વાઘેલા, યુ.એન.ડી.પી. પ્રોજેક્ટ ઓફિસર મિથુનભાઈ અને વિવેકાનંદ એકેડમીના પ્રોફેસર રાહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.