જામનગર મોર્નિંગ - જામનગર (પ્રતિનિધી જુણેજા ઈલાયત દ્વારા)

સ્ટેટ જીએસટી વિભાગે 137 કરોડના કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આધાર કેન્દ્રમાં જરુરિયાત મંદ વ્યક્તિઓના આધાર કાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટી રજિસ્ટ્રેશન મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જીએસટી વિભાગે કરેલી તપાસમાં ભાવનગરમાં પાલીતાણાના હવામહેલ રોડ પર આવેલા આધાર કેન્દ્રમાં આ રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત કૌભાંડમાં શકમંદ લાગતા 6થી 7 મુખ્ય સૂત્રધારો હોવાનું બહાર આવ્યું છે.

બોગસ બિલિંગની પ્રવૃતિ ડામવાના મિશનના ભાગરુપે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મિશન અંતર્ગત સ્ટેટ જીએસટી વિભાગને વધુ એક સફળતા હાથ લાગી છે. જીએસટી નંબર મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત છે અને આધારકાર્ડ અને પાનકાર્ડને લિન્ક કરેલા હોવા જરૂરી છે. જીએસટી નંબર મેળવવા માટે આધાર ઓથેન્ટિકેશન જરુરી છે. જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં જરુરિયાતમંદ વ્યક્તિઓના આધારકાર્ડ સાથે લિન્ક કરેલા મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારે અંદાજે 1500થી વધુ આધારકાર્ડના મોબાઈલ નંબર બદલી નાંખવામાં આવ્યા છે.

જીએસટી વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ભાવનગરમાના પાલાતાણામાં હવામહેલ રોડ પરના આધાર કાર્ડ કેન્દ્રમાં સરકારી સહાય આપવાની લાલચના આધારે જરુરિયાતમંદ વ્યક્તિઓના આધારકાર્ડ સાથે લિન્ક કરેલા મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. જીએસટી વિભાગને સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓના સ્થળોએ તપાસ કરતા 61 પેઢીઓ બોગસ બિલિંગમાં સંડોવાયેલી હોવાનું મળી આવ્યું છે. આ બોગસ બિલિંગનું ટર્ન ઓવર 2770 કરોડ અને 84 કરોડની કરચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.


ડમી નામથી આઇડી કાર્ડ બનાવ્યું

સુરતમાં થયેલી તપાસમાં સામે આવ્યું છે કે, સંડોવાયેલા વ્યક્તિના મોબાઈલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડુપ્લિકેટ દસ્તાવેજો એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપ દ્વારા બનાવતા હતા. તેમજ ફેસબુકની માર્કેટ પ્લેસ નામની સુવિધા પર ડમી નામથી શિવ લોન સર્વિસિસ નામનું બનાવટી આઈડી બનાવી લોકોના દસ્તાવેજો લોન આપવાના બહાના હેઠળ મેળવતા હોવાનું પકડાયું છે. સુરતની કેટલીક પેઢીઓમાં આધારકાર્ડ મુજબ સરનામા ભાવનગર, પાલીતાણા, અમરેલી, અમદાવાદ અને આણંદના હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાંથી પાલીતાણાના આધારધારકોની પૂછપરછ કરતા તેમના આધારકાર્ડમાં સુધારો કરી જીએસટી રજિસ્ટ્રેશન અને પાનનંબર લેવાયાનું ધ્યાને આવ્યું હતું.

આ કાર્યવાહીમાં આધાર કેન્દ્રના લેપટોપ, મોબાઈલ સહિત ડિજિટલ ડિવાઈઝ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 24 જેટલી પેઢીઓની તપાસમાં 13 પેઢીઓ બોગસ બિલિંગમાં સંડોવાઈ હોવાનું ધ્યાને આવ્યું છે. તેમાંથી 1350 કરોડનું ટર્નઓવર કરી 53 કરોડની કરચોરી કરી હોવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડની ભાવનગરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હાલ તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિ પોતાના આધાર નંબર, પાન નંબર, લાઈટ બિલ જેવા અગત્યના દસ્તાવેજો કોઈપણ પ્રકારની લાલચમાં આવી અજાણ્યા શખ્સોને ન આપે.