જામનગર મોર્નિંગ - જામનગર

ભરત હુણ - તીરછી નજર

લોકો વડે ચૂંટાયેલી સરકારથી ચાલતો દેશ એટલે આપણો પ્રજાસત્તાક દેશ જ્યાં પ્રજા જ સર્વોપરી છે. લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાયદા, નિયમો, ઠરાવો ઘડવાની કે સુધારા-વધારા કરવાની બંધારણ મુજબ સત્તા છે જયારે આવા દરેક કાયદાઓની અમલવારી અને કામો કરાવવાની જવાબદારી આપણા દેશમાં વહીવટી તંત્રની હોય છે. વહીવટી તંત્રમાં જ્યાં ખૂટતું હોય ત્યાં ટકોર કરવી એ રાજકીય લોકોએ જરૂરી છે પણ દરેક જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તેમના પરિવારના સભ્યો અથવા તેમના કાર્યકરો વહીવટી તંત્રના અધિકારીઓને રંજાડે, દરેક કામોમાં દખલગીરી કરીને કાયદા મુજબ નહી પણ પોતાના કહ્યા મુજબ કરાવે એવી રાજકીય દખલગીરી બંધ થવી જોઈએ.

હાલારમાં વર્ગ – ૧ કક્ષાના એક અધિકારી એમના તાબા હેઠળના વિભાગમાં અનધિકૃત ચાલતા કામ બંધ કરાવવા જાય છે ત્યારે એ કામ સાથે સંકળાયેલ માણસ એક રાજકીય નેતાનો કાર્યકર હોય છે જે કાર્યકર એ નેતાના મગજમાં એવુ ભરાવી દે છે કે આ "સાહેબ" આપણું જ કામ બંધ કરાવે છે અગાઉ તો ઘણા બધા આવી રીતે કામ ચલાવી લેતા આ સાહેબ આવ્યા અને આપણું કામ છે એટલે અટકાવે ત્યારે પેલા નેતા અથવા એના પરિવારનો સભ્ય સત્ય કે ઉંડાણ પૂર્વક જાણવાને બદલે કાર્યકરની વાત માં આવીને અધિકારીની નૈતિક ફરજમાં રાજકીય દખલગીરી કરીને તેઓનું મોરલ તોડે છે. અને કહે કે તમે અમારા કાર્યકરનું કામ છે એટલે સ્ટ્રીક થાઓ છો ! ખરેખર તો આવો બનાવ બને ત્યારે રાજકીય લોકોએ પણ ઉંડાણ પૂર્વકનું જાણીને કાર્યકરોને સમજાવવા જોઈએ કે આવા ખોટા કામોમાં આપણે નહી રહેવાનું અને સામે છેડે અધિકારીને રાજકીયદખલ કરવાનાં બદલે મોરલી સપોર્ટ આપવો જોઈએ.

નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલની હાલની સરકાર આ વખતે પ્રજા પ્રત્યે ખુબજ જવાબદારી પૂર્વક દરેક કામ કરી રહી છે તે કોઈનું કંઈ ચલાવી લેવામાં નથી એ વાત દરેક નાનાં - મોટા નેતાએ યાદ રાખવી જોઈએ તમારે સાચાનો પક્ષ લેવાનો છે નહી કે ફક્ત કાર્યકરોનો જયારે કાર્યકર સાચો હોય ત્યારે તેમની સાથે પણ ઉભા રહો પણ ઉંડાણ પૂર્વક જાણીને પછી નિર્ણય લ્યો પાવરના જોરે દરેક વખત અધિકારીને ઉતારી પાડવાનુ વ્યાજબી ના ગણી શકાય.