જામનગર મોર્નિંગ - જામનગર 


આગામી ૧૩ મી ફેબ્રુઆરીએ વિમેન્સ આઈપીએલ-૨૦૨૩ માટે ઓકશનની પ્રક્રિયા થનાર છે. હાલ ૪૦૯ ખેલાડીઓની પ્રાથમિક પસંદગી થઈ છે. જેમાં ફાઈનલ ટોપ-૯૦ ની પસંદગી માટે હરાજી કરવામાં આવશે. ૪૦૯ ખેલાડીઓની પસંદગી પૂર્વે સૌરાષ્ટ્રમાંથી આઠ મહિલા ખેલાડીઓના નામ મોકલવામાં આવ્યા હતાં. જેમાં જયશ્રીબા જાડેજા તથા નેહા ચાવડાની ૪૦૯ ની યાદીમાં સમાવેશ કરાયો છે. આ બન્ને મહિલા ખેલાડી જામનગરના છે. જો તેઓ ટોપ-૯૦ માં પસંદગી પામશે તો આઈપીએલમાં રમતા જોવા મળશે. જયશ્રીબા જાડેજા ૨૦૧૯ માં સુરતમાં ૩૧૧ રન, વડોદરા સામે નોટ આઉટ ૧૨૧ રન, ટી-૨૦ માં ૧૨૭ રન અને પોંડીચરીમાં ૩૨૨ રનનો રેકોર્ડ ધરાવે છે. જ્યારે નેહા ચાવડા છેલ્લા ૧૨ વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. અંડર-૧૯, અંડર-૨૩ અને હાલ સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાંથી રમી રહ્યા છે. પંજાબ સામેની મેચમાં તેણીએ પાંચ વિકેટો ઝડપી હતી.