ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે, ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સનું મૂલ્ય 425 કરોડ હોવાનો અંદાજ છે.

સોમવાર, 06 માર્ચ 2023 ના રોજ ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ICG એ વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા હતા.

અંધારાના સમયમાં ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ઓખા કિનારેથી 340 કિમી (190 માઇલ) દૂર આ બોટ રડારમાં આવી હતી. ત્યારબાદ ICG જહાજો દ્વારા પડકારવામાં આવી હતી. ત્યારબાદ બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને ICG જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડી હતી. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું.

જેમાં ઈરાની નાગરિકતા ધરાવતા પાંચ ક્રૂ હતા. ICG બોર્ડિંગ ટીમ દ્વારા તપાસ દરમિયાન ક્રૂ દ્વારા શંકાસ્પદ વર્તન કરતા હોવાનું જણાયું હતું. વ્યાપક તપાસ બાદ બોટમાંથી 425 કરોડની કિંમતના 61 કિલો માદક પદાર્થ મળી આવ્યું હતું.

બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહી છે. છેલ્લા અઢાર મહિનામાં, ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. જેનું મૂલ્ય 2355.00 કરોડ જેટલું થાય છે.