રૂ. 5.76 કરોડના વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત કરાયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ખંભાળિયા શહેરમાં વિવિધ રસ્તાઓ નવેસરથી મઢવા અનિવાર્ય હોય, શહેરમાં સી.સી. રોડ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત આજરોજ અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખંભાળિયા શહેર નજીક આવેલા સુમરા તરઘરી ગામે ડમ્પિંગ સાઈટ પર રિકવરી ફેસીલીટી માટે રૂપિયા 80 લાખના ખર્ચે સેન્ટર બનાવવા, અહીંના મહત્વના બેઠક રોડ પર સીસી રોડના કામ, ઉપરાંત જડેશ્વર રોડ, જોધપુર ગેટ સહિતના જુદાજુદા રસ્તા ઉપર સીસી રોડના નિર્માણ, ઘી નદી પર ચેકડેમ રીપેરીંગ તથા ગેઈટ રીપેરીંગના કામ, ટાઉનહોલમાં ઘટતી સુવિધાઓ પ્રાપ્ય કરવા, અહીં પોરબંદર રોડ પરનો બેઠો પુલ પહોળો કરવા, વિગેરે 11 વિકાસ કામો માટે સરકાર દ્વારા રૂપિયા 5.76 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત આજરોજ બપોરે ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી પાસેથી અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા વિગેરે ખાસ જોડાયા હતા.

શહેરમાં આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થયેથી નગરજનોની સુખ સુવિધામાં વધારો થશે તેમ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું અને નગરપાલિકાની વર્તમાન બોડીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો સાથે ભાજપના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.