રૂક્ષ્મણીજીનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ભારતના સ્કંદ પુરાણમાં જેનું ખાસ મહત્વ સમજાવવામાં આવ્યું છે, તેવા પૌરાણિક પ્રસંગ એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ. આ ઉત્સવ ચૈત્ર સુદ એકમથી લઈને તેરસ સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું દ્વારકા અને માધવપુર ખાતે વિશેષ સ્થાન હોવાથી તેને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ગત વર્ષથી રાજ્ય અને કેન્દ્ર સરકારે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન આ વિવાહ ઉત્સવના દેશ-વિદેશના લોકો વધુને વધુ જોડાય તેવા ભાગરૂપે ઉજવવાનું શરૂ કર્યું છે. તારીખ 30 માર્ચથી 3 એપ્રિલ સુધીના આ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ સુધી યોજાનારા આ ઉત્સવ અંતર્ગત દ્વારકાના સર્કિટ હાઉસમાં યોજવામાં આવેલી બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, નાયબ કલેકટર સાકરીયા, હોટલ એસોસિયનના પ્રમુખ નિર્મલભાઈ સામાણી, ઈશ્વરભાઈ પરમાર, ભરત સોલંકી, સ્વામિનારાયણ સંપ્રદાયના ગોવિંદ સ્વામી, મામલતદાર વરૂ, તાલુકા વિકાસ અધિકારી સોરઠીયા, વિગેરેની ઉપસ્થિતમાં આ મીટીંગ સંપન્ન થઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરે રૂક્ષ્મણી વિવાહની વિગતો આપતા જણાવ્યું હતું કે દ્વારકા ખાતેનું વિશ્વ પ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશજીનું મંદિર તથા રૂક્ષ્મણી મંદિરના શિખરો અને પરિસરને લાઇટિંગ, ડેકોરેશનથી સુશોભિત કરી મંદિરની ભવ્યતા અને વિશેષ સુશોભન કરી વિવાહ ઉત્સવનો જીવન દર્શન ભક્તોને કરાવવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા માતા રુક્ષ્મણીજીના જીવન આધારિત જીવંત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. અને લગ્ન ઉત્સવ બાદ માતા રૂક્ષ્મણીજીનું દ્વારકા ખાતે ખાસ આગમન કરાવવામાં આવશે.

હોટલ એસોસિયનને આ ઉત્સવ દરમિયાન પ્રવાસી યાત્રિકોને ખાસ ત્રણથી ચાર દિવસનું ઓફર પેકેજ આપવા પણ જણાવવામાં આવ્યું છે.

રૂક્ષ્મણી માતાજીના મંદિરના પૂજારી અરૂણભાઇ દવેએ દ્વારકા ખાતે રૂક્ષ્મણી વિવાહની વિગતો આપતા જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશનો વરઘોડો દ્વારકાધીશ મંદિરથી વાજતે-ગાજતે નીકળશે. જે રૂક્ષ્મણી મંદિર પરિસરે પહોંચશે. આ લગ્નમાં યજમાન પદે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર ઊપસ્થિત રહેશે.