કાલાવડમાં વૃધ્ધાનું સીડી પરથી પડી ગયા બાદ મૃત્યુ: મોટા વડાળાના યુવાનનું બીમારી સબબ મૃત્યુ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં ગુલબનગરમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી જયારે લાલપુરમાં ઓગણીસ વર્ષની યુવતીને સગાઇ કરવાનું કહેતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી, તેમજ કાલાવડમાં વૃધ્ધાનું સીડી પરથી પડી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને કાલાવડના મોટા વડાળાના યુવાનનું બીમારી સબબ મૃત્યુ નિપજતા ચારેય બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગરમાં દયાનંદ સોસાયટીમાં શેરી નંબર બે ખાતે રહેતા પ્રકાશભાઈ જગુભાઈ પઢારીયાના 27 વર્ષના યુવાન દીકરા નીખિલભાઈ પઢારીયાએ શનિવારે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પિતા પ્રકાશભાઈએ સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે મોકલી આપઘાત પાછળના કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે જામનગર જિલ્લામાં લાલપુર શહેરમાં સાનીધ્ય પાર્કમાં રહેતા નીતાબેન વિનોદભાઈ મકવાણાના પતિ વિનોદભાઈ આજથી 14 વર્ષ પહેલા કેન્સરની બીમારીથી મૃત્યુ પામ્યા હોય જેથી તેમની 19 વર્ષની દીકરી ધાર્મીકીબેન વિનોદભાઈ મકવાણા ત્યારથી ગુમસુમ રહેતી હોય બાદમાં દીકરીના લગ્નનો સમય આવતા પરિવારજનોએ લગ્ન કરવાનું કહેતા ધાર્મિકીને મનમાં લાગી આવતા શનિવારે સાંજે પાંચ થી છ વાગ્યા વચ્ચે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના માતા નીતાબેને લાલપુર પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ જામનગર જિલ્લના કાલાવડ તાલુકાના શીતલા કોલોની ખાતે રહેતા ભાણાભાઈ પોપટભાઈ લીલાપરાના પત્ની સવિતાબેન ભાણાભાઈ લીલાપરા (ઉ.વ. 72) નામના વૃધ્ધા ગત તા. 24ના સાંજના છ વાગ્યા આસપાસ પોતાના ઘરની સીડી ઉતરતા હોય તે વેળાએ અકસ્માતે પડી જવાથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં શનિવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેમના પતિ ભાણાભાઈએ કાલાવડ પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે રહેતા હરેશભાઈ પરસોતમભાઈ બુસા (ઉ.વ. 38) નામના યુવાનને ચારેક દિવસથી તાવ શરદી અને ઉધરસની બીમારી હોય જેથી સારવાર માટે કાલાવડની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં શનિવારે તબિયત વધુ બગડતા અને આંચકી ઉપડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા નિલેશભાઈ કરશનભાઇ બુસાએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment