રામેશ્વરનગરમાં કોર્ટમાં ચાલતા કેસનું સમાધાન કરવાનું કહી યુવાન પર હુમલો: કિશાનચોકમાં રહેતી મહિલાને મારી નાખવાની ધમકી: અન્ય બે માથાકૂટના બનાવો નોંધાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં ગણેશવાસમાં હોળીમાં થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે હુમલો કરાયો જયારે રામેશ્વરનગરમાં એક વર્ષ પહેલા થયેલ માથાકૂટનો કેસ કોર્ટમાં ચાલતો હોય જેનું સમાધાન કરવાનું કહી યુવાન પર એક શખ્સ દ્વારા હુમલો કરાયો, અને મહિલાએ મકાનનું કામ પૂરું કરવાનું કહેતા શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી, તેમજ બાલાચડીમાં ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરી ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો ઉપરાંત શેઠવડાળા ગામમાં ટ્રેકટર અને ટ્રોલી છોડાવવા આરસી બુક માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગણેશવાસમાં આવેલ ફુલીયા હનુમાન મંદિર પાસે ઉનની કંદોરી વિસ્તારમાં રહેતો દિપક કાંતિભાઈ પડાયા નામના 18 વર્ષના યુવાનને હોળીના દિવસે સુમરાચાલીમાં રહેતો ભુરો બોદુભાઈ ખફી નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી, જે બાબતનો ખાર રાખી શુક્રવારે બપોરે ફુલીયા હનુમાનના મંદિર પાસે દિપકના મકાન પાસે ભુરાએ ઘસી આવી જમણા પગમાં સાથળના ભાગે છરીનો ઘા મારી ઈજાઓ પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા દિપકે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભુરા સામે આઈપીસી કલમ 324, 504 તથા એટ્રોસીટી એક્ટ મુજબની કલમ 3(1) (આર) (એસ), 3(2)(5-એ) તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ ડીવાયએસપી ડી.પી. વાઘેલા ચલાવી રહ્યા છે.
જયારે જામનગર શહેરમાં રામેશ્વરનગરમાં બસ સ્ટેન્ડની સામે ભગવતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પોતાની દોસ્તી આમલેટ સેન્ટર નામની રેંકડીએ શનિવારે સાંજે ધંધો કરતા હોય તે દરમિયાન ગાયત્રીનગરમાં રહેતો બળવંતસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજા નામનો શખ્સ ઘસી આવી ભગવતસિંહને કહેલ કે મારે તારા પિતા મહેન્દ્રસિંહ સાથે એક વર્ષ પહેલા ઝગડો થયેલ છે તેનું સમાધાન કરવું છે કે શું, બાદમાં ભગવતસિંહે કહ્યું કે અમારે સમાધાન નથી કરવું કોર્ટમાં કેસ ચાલે છે ચાલવા દ્યો, આમ કહેતા આરોપી બળવંતસિંહ ઉશ્કેરાઈ જતા જેમ તેમ ગાળો આપી ત્યાંથી જતો રહ્યો હતો.
બાદમાં થોડીવાર પછી લોખંડના પાઈપ સાથે ઘસી આવી ભગવતસિંહ પર હુમલો કરી ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી જો સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 325, 323, 504, 506(2) તથા જીપીએકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પો.હે.કો. પી.કે. વાઘેલા ચલાવી રહ્યા છે.
ઉપરાંત જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતા ફારૂક હુશેનભાઈ ચાવડા, સાહિલ ફારૂકભાઈ ચાવડા અને જાવીદ તાલબભાઈ ચાટ નામના શખ્સોએ ગુલાબનગરના કૃષ્ણપાર્કમાં રહેતા ઈબ્રાહીમ અક્બરભાઈ લોઢડા નામના યુવાન પર લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય શખ્સો સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસમાં જાહેર થયા અનુસાર ઈબ્રાહીમે ફારૂક પાસેથી રૂ. 16000 ઉછીના લીધા હોય અને રૂ. 13000 પરત કરી દીધા હતા બાદમાં બાકીમાં રહેતા રૂ. 3000ની ઉઘરાણી કરતા ઇબ્રાહીમે પછી આપી દેવાનું કહેતા ફારૂક તથા તેની સાથે રહેલા સાહીલ અને જાવીદ ઉશ્કેરાયા હતા અને ઈબ્રાહીમને માર માર્યો હતો. પોલીસે આઈપીસી કલમ 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
તેમજ જામનગરમાં કિશાનચોકમાં ઘાંચીના કબ્રસ્તાન પાસે રહેતા નુરજહાંબેન મોહમ્મ્દ પીલુડીયાએ ઠેબા ગામના પરેશ હમીરભાઈ મકવાણા નામના શખ્સને મકાનનું કામ આપેલ હોય જે પૂરું કરતો ન હોય તેથી પૂરું કરવાનું કહેતા પરેશે શુક્રવારે બપોરે નુરજહાંબેનને લાલબંગલા પાસે મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા નુરજહાંબેને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પરેશ સામે આઈપીસી કલમ 504, 506(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પો.હે.કો. આ.ડી. ગાંભવા ચલાવી રહ્યા છે.
અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં હાઈસ્કૂલ પાસે શનિવારે બપોરે ઉગાભાઈ ઉર્ફે મુકેશભાઈ પાલાભાઈ ખરાએ બમથીયા ગામમાં રહેતા દેવસુર ગોવાભાઈ બગડા નામના શખ્સ પાસેથી ટ્રેકટર તથા ટ્રોલી શેઠવડાળા પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા આર.સી. બુક માંગતા દેવસુરે મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉગાભાઈએ શેઠવડાળા પોલીસે આઈપીસી કલમ 504, 506(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પો.હે.કો. એ.એમ. પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment